ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનમાં રમાયેલી બીજી વનડેમાં માત્ર બોલ અને બેટથી જ નહીં, પરંતુ મેદાન પરની મસ્તીથી પણ ચાહકોનું મનોરંજન થયું. ભારતીય બેટ્સમેન રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ગ્લેન ફિલિપ્સ સામે WWEના દિગ્ગજ રેસલર જ્હોન સીનાના જાણીતા ઇશારાની નકલ કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. ખાસ વાત એ છે કે આ જ ઇશારો અગાઉની મેચમાં વિરાટ કોહલીએ પણ કર્યો હતો. 

ફિલિપ્સ મેદાનમાં આવતાં જ રોહિતે કર્યો ઇશારો

બીજી વનડેમાં જ્યારે ગ્લેન ફિલિપ્સ બેટિંગ કરવા માટે મેદાનમાં આવ્યો ત્યારે રોહિત શર્માએ પોતાના ચહેરાની સામે હાથ ફેરવીને જ્હોન સીનાના પ્રખ્યાત ‘You Can't See Me’ ઇશારાની નકલ કરી હતી. આ દરમિયાન રોહિતના ચહેરા પર સ્મિત હતું અને નજીકમાં ઊભેલો વિરાટ કોહલી પણ આ મજાકનો આનંદ લેતો જોવા મળ્યો હતો. ન્યૂઝીલેન્ડના મેદાન પર ફિલિપ્સ બેટિંગ કરવા આવે ત્યારે સ્ટેડિયમમાં જ્હોન સીનાનું પ્રવેશ સંગીત વગાડવાની પરંપરા છે. ફિલિપ્સને જ્હોન સીના સાથે જોડવામાં આવે છે અને આ જ કારણથી ભારતીય ખેલાડીઓએ તેની સાથે મસ્તી કરવાની તક ઝડપી હતી. 
https://x.com/SonySportsNetwk/status/2118937895163851214?a=stTf2uvqs_0qSH_6BCc&s=20

કોહલીએ પહેલી વનડેમાં શરૂ કર્યો હતો સિલસિલો

આ મસ્તીની શરૂઆત બીજી નહીં, પરંતુ પ્રથમ વનડેમાં થઈ હતી. 4 નવેમ્બરે ઓકલેન્ડમાં રમાયેલી શ્રેણીની પ્રથમ મેચ દરમિયાન ગ્લેન ફિલિપ્સ બેટિંગ કરવા આવ્યો ત્યારે વિરાટ કોહલીએ પણ જ્હોન સીનાનો આ જ ઇશારો કર્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહ્યો હતો. હવે બીજી વનડેમાં રોહિતે પણ એ જ અંદાજ અપનાવ્યો હતો. આ રીતે બંને ભારતીય દિગ્ગજોએ ફિલિપ્સનું આગવું સ્વાગત કર્યું. આ મસ્તી માત્ર મેદાન સુધી સીમિત રહી નહોતી. કોમેન્ટ્રી બોક્સમાં હાજર પૂર્વ ભારતીય ખેલાડી અજિંક્ય રહાણે અને અજય જાડેજાએ પણ આ ઇશારાની નકલ કરી હતી. 

ફિલિપ્સ ખાતું પણ ખોલી શક્યો નહીં

મેદાન પર ફિલિપ્સનું મજાકિયા અંદાજમાં સ્વાગત થયું, પરંતુ બેટિંગમાં તેનો દિવસ સારો રહ્યો નહોતો. તે બીજી વનડેમાં ખાતું ખોલ્યા વગર ગુરનૂર બરારના બોલ પર આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડની આખી ટીમ 134 રનમાં સમેટાઈ ગઈ હતી. ડેરિલ મિચેલે સૌથી વધુ 55 રન બનાવ્યા હતા, જ્યારે મિચેલ સેન્ટનરે 31 રનનું યોગદાન આપ્યું હતું. ગુરનૂરે 30 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

ભારત તરફથી પણ રોહિત અને કોહલી બેટિંગમાં ખાસ કમાલ કરી શક્યા નહોતા. રોહિતે 28 બોલમાં 23 રન બનાવ્યા હતા, જ્યારે કોહલી 7 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો હતો. જોકે વરસાદના કારણે મેચનો અંત DLS પદ્ધતિથી આવ્યો અને ભારતે 4 રનથી જીત મેળવીને પાંચ મેચની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી હતી. 

આ પણ વાંચો: BCCI President: મિથુન મનહાસ કેસમાં મોટો ટર્ન: શું કોર્ટના આ નિર્ણયથી વિરોધીઓને લાગ્યો મોટો ઝટકો?