SA20 2027ની ઓક્શનને લઈને ભારતીય ક્રિકેટ ફેન્સ માટે એક ખાસ વાત સામે આવી છે. દક્ષિણ આફ્રિકાની આ T20 લીગની ઓક્શન માટે કુલ 156 ખેલાડીઓ શોર્ટલિસ્ટ થયા હતા, પરંતુ તેમાં એક પણ ભારતીય ખેલાડી સામેલ નથી. આ ઓક્શનમાં 19 ખેલાડીઓ માટે જગ્યા હતી અને 4 ફ્રેન્ચાઈઝી ખેલાડીઓ ખરીદવાની હતી. ખાસ વાત એ છે કે SA20ની તમામ 6 ટીમોના માલિકો IPL ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા છે. આમ છતાં ભારતીય ખેલાડીઓ આ લીગમાં રમતા જોવા મળતા નથી.

BCCIનો નિયમ સૌથી મોટું કારણ

ભારતીય ખેલાડીઓ SA20 જેવી વિદેશી T20 લીગમાં કેમ નથી રમતા તેનું મુખ્ય કારણ BCCIની નીતિ છે. BCCI સામાન્ય રીતે સક્રિય ભારતીય ખેલાડીઓને વિદેશી ફ્રેન્ચાઈઝી લીગમાં રમવાની મંજૂરી આપતું નથી. ભારતીય ખેલાડીએ આવી લીગમાં રમવું હોય તો તેણે ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવી પડે છે અને ત્યારબાદ BCCI પાસેથી NOC મેળવવી પડે છે. આ નિયમને કારણે હાલમાં સક્રિય ભારતીય ખેલાડીઓ SA20માં ભાગ લઈ શકતા નથી.

દિનેશ કાર્તિક એકમાત્ર ભારતીય

SA20ના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર દિનેશ કાર્તિક જ ભારતીય ખેલાડી તરીકે રમ્યો છે. તેણે 2025માં Paarl Royals તરફથી SA20ની ત્રીજી સિઝનમાં ભાગ લીધો હતો. તે સમયે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને IPLમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો હતો. SA20ના કમિશનર ગ્રેમ સ્મિથે અગાઉ પણ ભારતીય ખેલાડીઓની લીગમાં ભાગીદારી વધારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે લીગ વધુ ભારતીય ખેલાડીઓને રમાડવા માંગે છે અને આ મુદ્દે BCCI સાથે કામ કરવાનું ચાલુ રાખશે.

ગયા વર્ષે પણ ભારતીય ખેલાડીઓ ઓક્શનમાં નહોતા

આ પહેલી વખત નથી જ્યારે SA20ની ઓક્શનમાં ભારતીય ખેલાડીઓ જોવા મળ્યા નથી. 2026ની સિઝન માટેની અગાઉની ઓક્શનમાં 13 ભારતીય ખેલાડીઓએ રજિસ્ટર કર્યું હતું, જેમાં પિયૂષ ચાવલા, સિદ્ધાર્થ કૌલ અને અંકિત રાજપૂત જેવા નામ સામેલ હતા. જોકે અંતિમ ખેલાડી યાદીમાં કોઈ ભારતીય સ્થાન મેળવી શક્યો નહોતો.

SA20 2027ની શરૂઆત ક્યારે થશે

SA20ની પાંચમી સિઝન એટલે કે SA20 2027ની શરૂઆત 17 જાન્યુઆરી 2027થી થવાની છે. ઓક્શન બાદ હવે તમામ ફ્રેન્ચાઈઝીની ટીમો લગભગ પૂર્ણ થઈ જશે અને આગામી સિઝન માટેની તૈયારીઓ શરૂ થશે. ભારતીય ક્રિકેટના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો આ મુદ્દો ખાસ મહત્વનો છે, કારણ કે SA20ની તમામ ટીમો IPL ફ્રેન્ચાઈઝી માલિકો સાથે જોડાયેલી હોવા છતાં ભારતીય ખેલાડીઓને તેમાં રમવાની તક મળતી નથી.

આ પણ વાંચો: IPL સામે ફરી PSLની ટક્કર, પાકિસ્તાન લીગે 2027ની તારીખો જાહેર કરી