ભારત સામેની ચોથી વનડેમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેન વિલ યંગે શાનદાર બેટિંગ કરીને ભારતીય બોલરોની મુશ્કેલી વધારી દીધી છે. તેણે માત્ર 88 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ભારત સામે વનડે ક્રિકેટમાં આ તેની પ્રથમ સદી છે. ખાસ વાત એ છે કે વિલ યંગને આ ઇનિંગ્સ દરમિયાન બે વખત જીવનદાન મળ્યું હતું. ભારતીય ફિલ્ડરોની આ ભૂલનો તેણે પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો હતો.
24 ઇનિંગ્સ બાદ વિલ યંગે ફટકારી સદી
વિલ યંગ લાંબા સમયથી વનડે ક્રિકેટમાં મોટી ઇનિંગ્સ રમવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં 107 રન બનાવ્યા બાદ તેનું બેટ શાંત થઈ ગયું હતું.ત્યારબાદની 24 ઇનિંગ્સમાં તેણે માત્ર 450 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની બેટિંગ સરેરાશ 18.75 અને સ્ટ્રાઇક રેટ 73.05 રહ્યો હતો. આ સમયગાળામાં તે માત્ર 2 અડધી સદી ફટકારી શક્યો હતો.જોકે, ભારત સામેની ચોથી વનડેમાં તેણે આ ખરાબ સમયનો અંત લાવ્યો હતો. શરૂઆતમાં 49 બોલમાં અડધી સદી પૂરી કર્યા બાદ તેણે પોતાની બેટિંગની ગતિ વધારી હતી અને 88 બોલમાં સદી ફટકારી હતી.
બે જીવનદાન મળ્યાં અને ભારતીય બોલરોની મુશ્કેલી વધી
આ મેચમાં વિલ યંગને શરૂઆતમાં જ બે જીવનદાન મળ્યાં હતાં. ભારતીય ટીમની ફિલ્ડિંગ દરમિયાન રોહિત શર્મા અને ઈશાન કિશન સતત બે બોલમાં તેના કેચ પકડી શક્યા નહોતા.તે સમયે વિલ યંગ માત્ર 5 રન બનાવીને રમી રહ્યો હતો. જો ભારતે આ બંને કેચ પકડી લીધા હોત તો ન્યૂઝીલેન્ડની ટીમને શરૂઆતમાં જ મોટો ઝટકો લાગી શક્યો હોત.પરંતુ જીવનદાન મળ્યા બાદ વિલ યંગે પાછળ ફરીને જોયું નહોતું. તેણે ભારતીય બોલરો સામે આક્રમક બેટિંગ કરી અને શાનદાર સદી ફટકારી હતી.
https://x.com/BLACKCAPS/status/2121102563734925769?a=gVaR7dj7k9bfY7M7meg&s=20
ન્યૂઝીલેન્ડના બંને ઓપનરોએ ફટકારી અડધી સદી
ચોથી વનડેમાં ન્યૂઝીલેન્ડના ઓપનરોએ ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. વિલ યંગ અને ટિમ સીફર્ટે ભારતીય બોલરો સામે શાનદાર બેટિંગ કરી હતી.2019ના વનડે વર્લ્ડ કપ બાદ આ ચોથી વખત બન્યું હતું જ્યારે ન્યૂઝીલેન્ડના બંને ઓપનરોએ એક જ વનડે મેચમાં 50થી વધુ રન બનાવ્યા હતા.ટિમ સીફર્ટે પણ આ મેચમાં 48 બોલમાં 58 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. તેની ઇનિંગ્સમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થયો હતો. જોકે, ગુરનૂર બ્રારે તેને આઉટ કરીને ભારતને પહેલી સફળતા અપાવી હતી.
ભારતીય ટીમમાં પણ થયા હતા 3 ફેરફાર
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ ચોથી વનડેમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.ભારતીય ટીમે પ્લેઇંગ-11માં 3 ફેરફાર કર્યા હતા. શુભમન ગિલ, કેએલ રાહુલ અને અંશુલ કંબોજને આ મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. તેમના સ્થાને ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન અને કુલદીપ યાદવને તક મળી હતી.5 મેચની આ શ્રેણીમાં ભારતીય ટીમ 2-0થી આગળ હતી. હવે વિલ યંગની સદીના કારણે ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમ સામે મજબૂત પડકાર ઊભો કર્યો હતો.
આ પણ વાંચો - Gurnoor Brar Send Off : વિકેટ લેતાં જ ગુરનૂરનો પારો ચઢ્યો! સેઈફર્ટ સાથે મેદાન પર બબાલ, વિરાટે કરાવ્યું સમાધાન