T20 વર્લ્ડ કપમાં સતત બે મેચ જીતીને શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ટીમ ઈન્ડિયા માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ટીમની સ્ટાર ઓફ સ્પિનર અને ઓલરાઉન્ડર શ્રેયંકા પાટિલ ઈજાના કારણે સમગ્ર T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. બુધવારે નેધરલેન્ડ્સ સામે રમાયેલી મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે શ્રેયંકાને આ ગંભીર ઈજા થઈ હતી. જોકે આ મેચ ભારતે એકતરફી રીતે જીતી લીધી હતી, પરંતુ શ્રેયંકાની ઈજાએ જીતના ઉત્સાહ પર પાણી ફેરવી દીધું છે.
શ્રેયંકા પાટિલ, સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવી પડી
નેધરલેન્ડ્સ સામેની મેચમાં બોલ પકડવાનો પ્રયાસ કરતી વખતે શ્રેયંકા પાટિલ અચાનક નીચે પડી ગઈ હતી અને તેના પગની ઘૂંટીમાં મચકોડ (વાંક) આવી ગયો હતો. ઈજા એટલી ગંભીર હતી કે તેને સ્ટ્રેચર પર સુવડાવીને મેદાનની બહાર લઈ જવી પડી હતી. ત્યારબાદ કરવામાં આવેલા સ્કેન રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે તે હવે આ આખી ટૂર્નામેન્ટમાં આગળ રમી શકશે નહીં.
શ્રેયંકાના કરિયરમાં ઈજાઓનું ગ્રહણ
આ પહેલી વખત નથી જયારે ઇજાના કારણે શ્રેયંકાએ સિરીઝ ગુમાવવી હોય. શ્રેયંકા પાટિલની ટૂંકી ક્રિકેટ કરિયર અત્યાર સુધી ઈજાઓથી ભારે પ્રભાવિત રહી છે. વર્ષ ૨૦૨૪માં આંગળી તૂટી જવાને કારણે તે T20 વર્લ્ડ કપ ગુમાવી ચૂકી છે. ત્યારબાદ બંને પગના કાફ (વાછરડાના ભાગ) માં ઈજા અને કાંડાના દુખાવાને કારણે તે લગભગ એક વર્ષ સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહી હતી. હવે ફરી એકવાર મેગા ટૂર્નામેન્ટની વચ્ચે જ તેને બહાર થવું પડ્યું છે.
કોણ લેશે શ્રેયંકાનું સ્થાન?
શ્રેયંકા પાટિલ વર્લ્ડ કપમાંથી બહાર થતાં હવે સૌથી મોટો સવાલ એ છે કે ટીમમાં તેનું સ્થાન કોણ લેશે? રિપોર્ટ્સ અનુસાર, હાલમાં ‘ઈન્ડિયા એ’ (India A) ટીમની કેપ્ટનશીપ સંભાળી રહેલી અનુષ્કા શર્માને શ્રેયંકાની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. અનુષ્કા એક આક્રમક અને મજબૂત બેટ્સમેન હોવાની સાથે-સાથે શાનદાર ઓફ સ્પિન બોલિંગ પણ કરે છે, જે ટીમ માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો : Deepti Sharmaએ વિકેટ લઈને ઈતિહાસ રચ્યો, ઝુલન ગોસ્વામીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી