ગુજરાતના રમતજગત અને ખાસ કરીને ક્રિકેટ પ્રેમીઓ માટે ખૂબ જ મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI દ્વારા આગામી શ્રીલંકા પ્રવાસ માટે જાહેર કરવામાં આવેલી ભારતની મેન્સ અને વિમેન્સ અંડર-19 ટીમમાં ગુજરાતના ત્રણ ઉભરતા અને પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ ત્રણેય યુવા ખેલાડીઓએ રાષ્ટ્રીય સ્તરે ચમકીને ગુજરાત ક્રિકેટનું ગૌરવ વધાર્યું છે. જે કારણે રાજ્યના ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


મહિલા ટીમમાં ગૌરી ગોયલની ધમાકેદાર એન્ટ્રી

ગુજરાતની સ્ટાર મહિલા ક્રિકેટર ગૌરી ગોયલની ભારતીય મહિલા અંડર-19 ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. ભારત અને શ્રીલંકાની મહિલા U-19 ટીમો વચ્ચે આગામી સમયમાં 3 T-20 અને 3 વન-ડે (ODI) મેચોની મહત્વની શ્રેણી રમાવાની છે, જેમાં ગૌરી ભારતીય જર્સી પહેરીને મેદાન પર પોતાની રમતનો જાદુ બતાવશે.

મેન્સ ટીમમાં કાવ્ય અને કુશ પટેલની પસંદગી

બીજી તરફ, પુરૂષોની અંડર-19 ટીમમાં પણ ગુજરાતના બે યુવા ખેલાડીઓએ સ્થાન મેળવ્યું છે. BCCI દ્વારા શ્રીલંકા પ્રવાસ માટે જાહેર કરવામાં આવેલી ટીમમાં કાવ્ય પટેલ અને કુશ પટેલની પસંદગી કરવામાં આવી છે. ટીમ મેનેજમેન્ટે કાવ્ય પટેલની પ્રતિભા પર ભરોસો મૂકીને તેનો વન-ડે અને મલ્ટી-ડે (ચાર દિવસીય મેચ) બંને ટીમમાં સમાવેશ કર્યો છે. જ્યારે પ્રભાવશાળી પ્રદર્શન કરનારા કુશ પટેલને મલ્ટી-ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં ખુશીનો માહોલ

એક સાથે રાજ્યના ત્રણ-ત્રણ યુવા ખેલાડીઓ ભારતીય ટીમ વતી આંતરરાષ્ટ્રીય સ્તરે રમવા જઈ રહ્યા હોવાના સમાચાર મળતા જ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) અને રમતપ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રમતગમતના નિષ્ણાતોનું માનવું છે કે, આ ખેલાડીઓ આગામી સમયમાં સિનિયર ભારતીય ટીમ માટે પણ મજબૂત દાવેદારી પેશ કરશે. આ સાથે આ ખેલાડીઓને રમતા જોઈને રાજ્યમાં રમતગમત ક્ષેત્રમાં લોકોની રૂચિમાં વધારો થાય તેવી આશા રાખવામાં આવી રહી છે.


આ પણ વાંચો - Ahmedabad Plane Crash: સેકન્ડોની અંદર સેંકડો સપનાઓનો સામૂહિક જનાજો, પરિવારની વેદનાની વાચા


  • Follow us on: