12 જૂન, 2025... આ એ કાળી તારીખ છે જેને અમદાવાદ, ગુજરાત કે આખો દેશ ક્યારેય ભૂલી નહીં શકે. એ સાંજે 230થી વધુ મુસાફરોને લઈને એર ઈન્ડિયાનું બોઈંગ વિમાન (ફ્લાઈટ AI 171) અમદાવાદ એરપોર્ટ પરથી હસતા-રમતા ચહેરે લંડન જવા માટે રવાના થયું હતું. પરંતુ કોને ખબર હતી કે, આ ઉડાન તેમના જીવનની આખરી ઉડાન બની જશે. ટેક ઓફ કર્યાની માત્ર 32થી 35 સેકન્ડમાં જ પ્લેન મેડિકલ કોલેજ અને અતુલ્યમ બિલ્ડિંગ પાસે તૂટી પડ્યું હતું. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ મુસાફરો અને જમીન પર રહેલા લોકો સહિત સેંકડો જિંદગીઓ પળવારમાં હોમાઈ ગઈ.



આ કાળજું કંપાવનારી ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. પીડિત પરિવારોને વળતરના મોટા વાયદાઓ મળ્યા છે, પરંતુ જમીની હકીકત એ છે કે, તેમનો વિલાપ હજુ શમ્યો નથી. ભીની આંખે પરિવારો આજે પણ સાચા ન્યાય અને તપાસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. આ ભયાનક દુર્ઘટનામાં વિમાનમાં સવાર મુસાફરો અને બહારના લોકો સહિત અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આજે આ ગોઝારી ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ પીડિત પરિવારોના આંસુ હજુ સુકાયા નથી. વળતર ભલે મળ્યું હોય, પણ પરિવારો આજે પણ ન્યાય અને ફાઇનલ તપાસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.

ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્સ: 'તપાસ પક્ષપાતી છે, પાઇલોટ નિર્દોષ હતા'

ઘટનાના એક વર્ષ બાદ ફેડરેશન ઓફ ઈન્ડિયન પાઈલોટ્સ (FIP)ના પ્રેસિડેન્ટ સી. એસ. રંધાવાએ પત્રકાર પરિષદ યોજીને તપાસ એજન્સીઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, 11 જુલાઈ 2025ના રોજ આવેલા પ્રિલિમિનરી રિપોર્ટમાં એન્જિન ક્યારે ફેલ થયા તેના ટાઈમિંગ મેચ થતા નથી. રિપોર્ટમાં એવો ખોટો દાવો કરાયો હતો કે, પાઈલોટે ફ્યુઅલ સ્વીચ બંધ કરી દીધી હતી અને પાઈલોટનું માનસિક સંતુલન ઠીક ન હતું. રંધાવાએ આક્ષેપ કર્યો કે, જ્યારે પણ આવી ઘટનામાં પાઈલોટ શહીદ થાય છે, ત્યારે તપાસ એજન્સીઓ દોષનો ટોપલો પાઈલોટ પર ઢોળી દે છે. વાસ્તવમાં ફ્યુઅલ સપ્લાય ટેકનિકલ ખામીને કારણે જાતે બંધ થયો હતો.


કંપનીઓને વહેલી ક્લીનચીટ

તપાસ કરનારી સંસ્થા AAIB (એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો)માં કોઈ ટેકનિકલ એક્સપર્ટ નથી, પરંતુ બે રિટાયર્ડ અધિકારીઓ પાસે તપાસ કરાવાઈ રહી છે. પ્લેન બનાવતી ત્રણેય મોટી કંપનીઓ (બોઈંગ, હનીવેલ વગેરે)ને તપાસની શરૂઆતમાં જ ક્લીનચીટ આપી દેવાઈ અને ઈલેક્ટ્રિક સિસ્ટમની કોઈ તપાસ જ ન થઈ. બ્લેક બોક્સ ડીકોડ કરવા માટે બે વાર યુએસએ મોકલવું પડ્યું હતું. FIP આ મામલે સરકારને પત્ર લખી પારદર્શક તપાસની માગ કરી રહ્યું છે અને સુપ્રીમ કોર્ટ તરફથી ન્યાયની આશા રાખી રહ્યું છે. આ સાથે જ સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશનના અમિત સિંહે પણ જણાવ્યું કે, ભવિષ્યમાં આવી હોનારતોમાં જીવ બચાવવા સેફ્ટી બેલ્ટની સિસ્ટમ બદલવી જરૂરી છે.

તપાસ એજન્સી (AAIB): 'ટેકનિકલ રિપોર્ટ અને પ્રક્રિયા ચાલુ છે'

એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) અને DGCA ના અધિકારીઓ પોતાના સ્તરે તપાસ ચલાવી રહ્યા હોવાનો દાવો કરે છે. 11 જુલાઈ 2025ના રોજ એક પ્રિલિમિનરી રિપોર્ટ જાહેર કરાયો હતો. બ્લેક બોક્સને ડી-કોડ કરવા માટે બે વાર યુએસએ (USA) મોકલવામાં આવ્યું હતું. જોકે, એજન્સી પર એવા આક્ષેપો છે કે, તપાસ ટીમમાં કોઈ એવિએશન એક્સપર્ટ નથી અને માત્ર બે રિટાયર્ડ અધિકારીઓ ભરોસે તપાસ ચાલી રહી છે. ઘટનાને એક વર્ષ થવા છતાં ફાઇનલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.

પૂર્વ CM વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી: 'અમને તપાસ એજન્સી પર સંપૂર્ણ ભરોસો છે'

આ ભયાનક દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ જીવ ગુમાવ્યો હતો. તેમના પુત્ર ઋષભ રૂપાણીએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે, પિતાના જવાથી પડેલો શૂન્યાવકાશ ક્યારેય ભરી શકાય તેમ નથી. માથેથી પિતૃછત્ર ગુમાવવું એ ખુલ્લામાં એક્સપોઝ થવા જેવું છે, પરંતુ તેમના વિચારો જ અમને જીવવાની શક્તિ આપે છે." પિતાની સ્મૃતિમાં 'વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશન'ની સ્થાપના કરી યુવા, મહિલા અને સેવાના કાર્યો કરવાની તેમણે વાત કરી હતી. સક્રિય રાજકારણમાં પ્રવેશ અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે, તેમની આવી કોઈ ભૂમિકાનો સવાલ જ નથી. તપાસ અંગે તેમણે ઉમેર્યું કે, "સમગ્ર કેસમાં હજુ તપાસ ચાલુ છે. પીડિત પરિવારો અને એર ઈન્ડિયા વચ્ચે વાતચીત થઈ છે. અમને તપાસ એજન્સી પર સંપૂર્ણ ભરોસો છે અને રિપોર્ટમાં તમામ સાચી વિગતો બહાર આવશે જ. હવે આ બાબતને ચોળીને ચીકણી કરવાનો કોઈ અર્થ નથી."


મોડાસાના પટેલ પરિવાર - 'હસતી-રમતી દીકરીની આખરી વિદાય'

આ વિમાન દુર્ઘટનાએ કેટલાય પરિવારોના હસતા-રમતા સપનાઓને રોળી નાખ્યા છે. મોડાસાના ખંભીસર ગામના એક પટેલ પરિવાર માટે આ ઘટના ક્યારેય ન પુરાનારી ખોટ છે. 23 વર્ષની દીકરી જયશ્રી પટેલના લગ્ન લંડન રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના 4 મહિના બાદ વિઝા મળતાં આખો પરિવાર ભારે ઉત્સાહ સાથે તેને અમદાવાદ એરપોર્ટ મુકવા આવ્યો હતો. દીકરી પ્લેનમાં બેઠી અને પરિવાર ખુશી-ખુશી વતન પરત ફરી રહ્યો હતો, ત્યાં જ 35 સેકન્ડમાં પ્લેન ક્રેશ થવાના સમાચાર મળ્યા. આજે એક વર્ષ પછી પણ પરિવાર દીકરીની તસવીર હાથમાં રાખીને ચોધારા આંસુએ રડી રહ્યો છે.


નરોડાના અનિલ પટેલના જીવનનો આખરી સહારો છીનવાયો

આવી જ એક હૃદયદ્રાવક કહાની નરોડાના અનિલભાઈ પટેલની છે. વર્ષો પહેલાં પત્નીનું અવસાન થયા બાદ જીવનના છેલ્લા પડાવમાં તેમનો દીકરો અને પુત્રવધૂ જ તેમનો એકમાત્ર સહારો હતા. દીકરો લંડનમાં નોકરી કરતો હતો અને વહુ અભ્યાસ પૂરો કરીને નવી જિંદગી શરૂ કરી રહી હતી. વર્ષોની મહેનત પછી જ્યારે સુખનો સમય આવ્યો, ત્યારે આ પ્લેન ક્રેશે વૃદ્ધ પિતાનો એ સહારો પણ છીનવી લીધો. આજે અનિલભાઈના ઘરમાં માત્ર એક સળગતો સન્નાટો અને અસહ્ય પીડા બાકી રહી ગયા છે.


જંબુસરના સાહીલ પટેલના પરિવાર: 'વળતર નહીં, ન્યાય જોઈએ'

જંબુસરના સારોદ ગામના યુવાન સાહીલ પટેલ પણ આ ફ્લાઈટમાં લંડન જવા નીકળ્યા હતા. હસતા ચહેરે ઘરેથી નીકળેલા સાહીલના અવસાનથી સમગ્ર પરિવારમાં આજે પણ ગમગીનીનો માહોલ છે. ભાજપ અગ્રણી સલીમ ગડદુએ પોતાના પુત્રને ગુમાવ્યાના અસહ્ય દુઃખ વચ્ચે સરકાર પાસે નિષ્પક્ષ તપાસની માગ કરી છે. પરિવારનું કહેવું છે કે, દુર્ઘટના બાદ માત્ર આશ્વાસનો મળ્યા છે, પરંતુ એર ઈન્ડિયા કે ટાટા ગ્રુપ તરફથી હવે કોઈ યોગ્ય પ્રતિસાદ મળતો નથી. આ ઘટનામાં જે પણ જવાબદાર હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.


વડોદરાના મહેશ્વરી પરિવાર: 'વૃદ્ધાવસ્થાનો સહારો છીનવાયો'

વડોદરાના મહાદેવ તળાવ પાસે રહેતા મુકેશ મહેશ્વરીના જુવાનજોધ દીકરા ભાવિકનું આ અકસ્માતમાં મોત થયું હતું. મુકેશભાઈને બે સંતાનો છે, જેમાં એક બાળક દિવ્યાંગ છે. ભાવિક છેલ્લા 5 વર્ષથી લંડનમાં નોકરી કરીને માતા-પિતાને આર્થિક સહારો આપતો હતો. મે મહિનામાં જ તે વડોદરા આવ્યો ત્યારે તેની સગાઈ થઈ હતી અને આગામી થોડા મહિનામાં લગ્ન થવાના હતા. માતા-પિતા માટે હવે કરોડો રૂપિયાનું વળતર કોડી સમાન છે, દીકરાના ગયા પછી તેમના સંસારમાં હવે કોઈ મોહ રહ્યો નથી. અમારો તો વૃદ્ધાવસ્થાનો સહારો છીનવાયો છે. તેમણે જણાવ્યું હતું કે, એક વર્ષ થાય કે 10 વર્ષ થાય આ એક એવી ખોટ છે, જે ક્યારેય પૂરી થશે નહીં. અમારો તો સહારા સમાન મોટો દીકરો ગુમાવ્યો છે. મને તો હવે જીવન રસ રહ્યો નથી. મને વળતરની અપેક્ષા નથી, હું વળતર પાછું આપવા તૈયાર છું, જે જવાબદારો છે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. મૃતકની માતાએ જણાવ્યું કે, અમે 25 વર્ષનો દીકરો ગુમાવ્યો છે. એના ગયા પછી આજે પણ એવું થાય છે કે હમણા તે બારણુ ખોલશે. અમારી એક જ માગ છે કે, જે જવાબદાર છે તેમને સજા આપો.


અકસ્માતનો ભોગ બનેલા આઉટસાઇડર: 'અણધારી કાળઝાળ'

અમદાવાદના નરોડાના રહેવાસી અને ફિલ્મમેકર મહેશ જીરાવાલા આ અકસ્માતનો ભોગ બન્યા ત્યારે તેઓ પ્લેનની અંદર નહોતા, પરંતુ બહાર મોપેડ પરથી પસાર થઈ રહ્યા હતા. પ્લેનની તૂટેલી પાંખની અડફેટે આવતા તેમનું મોત નીપજ્યું હતું અને 9 દિવસ બાદ તેમનો મૃતદેહ મળ્યો હતો. મહેશના પિતા ગિરધરભાઈ આજે પણ દીકરાની યાદમાં ભાવુક થઈ જાય છે. મહેશનું સપનું માતા-પિતાને સારું ઘર આપવાનું હતું. તેના મૃત્યુ બાદ મળેલા વળતરમાંથી નરોડામાં નવું ઘર તો ખરીદાયું, પણ આ નવા ઘરમાં પ્રવેશતી વખતે પરિવારની આંખોમાં ખુશી નહીં, પણ દીકરાની ખોટની અસહ્ય પીડા હતી. મહેશના પ્રેમલગ્ન 2025ના માર્ચ મહિનામાં વડોદરાની હેતલ પ્રજાપતિ સાથે થયા હતા. લગ્નના ગણતરીના મહિનાઓમાં જ પતિ ગુમાવનાર હેતલ જણાવે છે કે, 1 કરોડ 25 લાખનું વળતર મળ્યા બાદ પારિવારિક વિવાદો ઊભા થયા છે. કંપનીએ કરિયરની તક આપવાની ખાતરી આપી હતી પણ કશું થયું નથી.


અમદાવાદ ફાયર બ્રિગેડ: 'રૂવાડા ઉભા કરી દેતું રેસ્ક્યુ ઓપરેશન'

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેમની ટીમે જમીની સ્તરે જે જોયું તે કંપાવી દેનારું હતું. 12 જૂનની બપોરે 1.38 વાગ્યે નરોડા ફાયર સ્ટેશન પર હોટલાઈન કોલ આવ્યો હતો. પ્લેનમાં ફ્યુઅલ (બળતણ) ખૂબ વધારે હોવાથી બ્લાસ્ટ એટલો વિકરાળ હતો કે, આખું બિલ્ડિંગ બ્લેક થઈ ગયું હતું. હીટ (ગરમી) એટલી તીવ્ર હતી કે પક્ષીઓ અને શ્વાન પણ બળેલી હાલતમાં મળ્યા હતા. ફાયર વિભાગના 650 જવાનો અને 91 વાહનોએ સતત 8 કલાક સુધી ઝઝૂમીને 5.30 લાખ લીટર પાણીનો મારો ચલાવ્યો હતો અને મેડિકલ કોલેજની હોસ્ટેલમાંથી 28 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.


અંતિમ રિપોર્ટમાં ભારે વિલંબ, આગામી સપ્તાહે મંત્રાલયની મોટી બેઠક

અમદાવાદ પ્લેન દુર્ઘટનાને એક વર્ષ વીતી ગયું હોવા છતાં, અકસ્માત પાછળના સાચા કારણોનો અંતિમ તપાસ અહેવાલ હજુ સુધી જાહેર કરાયો નથી. રિપોર્ટ ક્યારે બહાર આવશે તેની કોઈ સ્પષ્ટતા નથી. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી અઠવાડિયે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ બાબતે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં તપાસની પ્રગતિ અને રિપોર્ટમાં થઈ રહેલા વિલંબ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવશે.


સેકન્ડોની અંદર સેંકડો સપનાઓનો સામૂહિક જનાજો

આ કોઈ સામાન્ય અકસ્માત નહોતો, આ સેકન્ડોની અંદર સેંકડો સપનાઓનો સામૂહિક જનાજો હતો. કોઈનું ઘર નવું બન્યું પણ દીકરો ન રહ્યો, કોઈની હજુ સગાઈ જ થઈ હતી, તો કોઈ લગ્ન કરીને સપનાના દેશ લંડન જઈ રહ્યું હતું. વળતરની રકમો કદાચ બેંકના ખાતાઓ ભરી શકે, પણ એ મા-બાપ, પત્ની કે સંતાનોના હૃદયનો ખાલીપો ક્યારેય ભરી શકશે નહીં. પરિવારો આજે પણ ભીની આંખે કેલેન્ડરના પાના બદલાતા જોઈ રહ્યા છે અને એક જ સવાલ પૂછી રહ્યા છે - "અમારા સ્વજનોનો ગુનો શું હતો, અને સાચો તપાસ રિપોર્ટ ક્યારે આવશે?" પીડિત પરિવારો આજે પણ ન્યાયની આશામાં કેલેન્ડરના પાના ઉથલાવી રહ્યા છે.


આ પણ વાંચો -  વાંચો 12 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે


  • Follow us on: