વડોદરા જિલ્લામાંથી મીડિયાના અહેવાલની એક બહુ મોટી અને વ્યાપક અસર સામે આવી છે. સ્થાનિક ગ્રામજનોની વર્ષો જૂની ગંભીર સમસ્યા અંગે 'સંદેશ ન્યૂઝ' દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. ઉદલપુર ખાતે આવેલી બી.ડી. પટેલ ક્વોરીમાં ગેરકાયદેસર અને જોખમી બ્લાસ્ટિંગના મુદ્દે ખાણ-ખનીજ વિભાગ દ્વારા કડક તપાસના આદેશો આપવામાં આવ્યા છે, જેના પગલે સ્થાનિકોમાં ન્યાયની આશા જાગી છે.
ભારે ધડાકા અને કંપનથી મકાનો જર્જરીત
સંદેશ ન્યૂઝના અહેવાલની ગંભીરતાને ધ્યાને લઈને રાજ્યના પાટનગર ગાંધીનગરથી ખાણ-ખનીજ વિભાગની સ્પેશિયલ ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ તાત્કાલિક વડોદરાના ઉદલપુર દોડી આવી હતી. ફ્લાઈંગ સ્ક્વોડે માઈન્સમાં રૂબરૂ જઈને બ્લાસ્ટિંગની તીવ્રતા અને કાયદાકીય નિયમો અંગે સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટીમે કડક વલણ અપનાવીને માઈન્સ સંચાલકને આગામી બીજી સત્તાવાર સૂચના ન મળે ત્યાં સુધી ક્વોરીમાં તમામ પ્રકારનું બ્લાસ્ટિંગ કામ તાત્કાલિક અસરથી સંપૂર્ણપણે બંધ રાખવા માટેની લેખિત સૂચના આપી દીધી છે.













