વડોદરાના કાળુપુરા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતા એક આધેડ વયના વ્યક્તિએ પારિવારિક વિવાદ અને જિંદગીની મુશ્કેલીઓથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, મૃતક આધેડ છેલ્લા કેટલાક સમયથી પત્ની સાથેના અણબનાવ અને સતત થતા ઝઘડાઓને કારણે ભારે માનસિક તણાવ અને હતાશામાં જીવી રહ્યા હતા.


હું હવે આ જિંદગીથી કંટાળી ગયો છું.

મળતી માહિતી અનુસાર, આપઘાત કરતા પહેલા આધેડે પોતાની વ્હાલસોયી પુત્રી સમક્ષ પોતાનું દુઃખ ઠાલવ્યું હતું. તેમણે પુત્રીને ગમગીન સાદે કહ્યું હતું કે, "હું હવે આ જિંદગીથી કંટાળી ગયો છું."

પત્ની સાથે વિખવાદ

પત્ની સાથેના રોજબરોજના ઝઘડા અને ગૃહકલેશના કારણે તેઓ અંદરથી તૂટી ગયા હતા, જેના કારણે તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે તપાસ શરુ કરી

ઘટનાની જાણ થતાં જ વડોદરાની સીટી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આધેડે પત્ની સાથેના ઝઘડામાં કયા કારણોસર આટલું મોટું પગલું ભર્યું અને આપઘાત પાછળ અન્ય કોઈ દબાણ હતું કે કેમ, તે તમામ દિશાઓમાં સીટી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પિતાની છત્રછાયા ગુમાવતા પુત્રી સહિતના પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યું છે.


આ પણ વાંચો----    Gujarat Latest News Live : બોર્ડર પર પોલીસનું મોટું ઓપરેશન, ઉચ્ચ IPS અધિકારીઓ સરહદી ગામોમાં ઉતર્યા

  • Follow us on: