ચોમાસાની શરૂઆત પહેલા જ વડોદરા વાસીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વડોદરા શહેરની જીવાદોરી સમાન ગણાતા ઐતિહાસિક આજવા સરોવરમાં પાણીનો જથ્થો ચિંતાજનક રીતે ઘટી ગયો છે. સરોવરનું પાણી ખુટી જતાં હવે વડોદરા મહાનગરપાલિકા એ આખા શહેરની તરસ છિપાવવા માટે એક મોટો અને કરોડો રૂપિયાનો આકસ્મિક નિર્ણય લેવાની ફરજ પડી છે. શહેરમાં પાણીનો પોકાર ન પડે તે માટે પાલિકા તંત્ર હવે નર્મદા નિગમ શરણ પહોંચ્યું છે.


જળસપાટી ગત વર્ષની સરખામણીએ આશરે 1 ફૂટ જેટલી ઓછી

મળતી માહિતી મુજબ, આજવા સરોવરની વર્તમાન જળસપાટી ગત વર્ષની સરખામણીએ આશરે 1 ફૂટ જેટલી ઓછી નોંધાઈ છે. ઉનાળાની આકરી ગરમીમાં પાણીનો વપરાશ વધવાને કારણે અને ઉપરવાસમાંથી પાણીની આવક ન થતાં આ સ્થિતિ સર્જાઈ છે.

નર્મદા નિગમ પાસેથી વધારાનું પાણી ખરીદવાનો નિર્ણય

વડોદરાના મોટાભાગના વિસ્તારોને પાણી પૂરું પાડતા આ મુખ્ય સ્ત્રોતમાં પાણી ખૂટી જતાં પાલિકા વહીવટી તંત્રે તાબડતોબ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વડોદરા વાસીઓને નિયમિત પાણી મળતું રહે તે માટે નર્મદા નિગમ પાસેથી વધારાનું પાણી ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

29 કરોડનું પાણી ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું

આ આયોજન હેઠળ, વડોદરા કોર્પોરેશન આગામી 30 દિવસ એટલે કે એક મહિના સુધી નર્મદા નિગમ પાસેથી પાણી મેળવશે. આ 30 દિવસના ગાળા માટે પાલિકા દ્વારા અધધ 29 કરોડનું પાણી ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે. વડોદરા કોર્પોરેશનના આ મોટા આર્થિક બોજ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી દિવસોમાં ચોમાસું વિધિવત રીતે સક્રિય ન થાય ત્યાં સુધી શહેરમાં પાણી કાપ ન મૂકવો પડે અને લોકોને હાલાકી ન ભોગવવી પડે તે છે. જોકે, તંત્ર દ્વારા નાગરિકોને પણ આ કટોકટીના સમયે પાણીનો બગાડ અટકાવવા અને કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો----    Gujarat Latest News Live : રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી

  • Follow us on: