વડોદરા મહાનગરપાલિકા અને પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ વચ્ચે સરકારી જમીન પર કથિત દબાણને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. વડોદરાના એક કિંમતી પ્લોટ પર ગેરકાયદેસર કબ્જો જમાવવાના આ હાઈપ્રોફાઈલ મામલે પાલિકાના ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેરનું એક અત્યંત મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ડેપ્યુટી કમિશનરે મીડિયા સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે, જે જમીન પર વિવાદ ચાલી રહ્યો છે તે પ્લોટ સંપૂર્ણપણે વડોદરા કોર્પોરેશનની માલિકીનો છે અને તેના પર થયેલું બાંધકામ નિયમ વિરુદ્ધ છે.


પાલિકાએ ફટકારી હતી નોટિસ

ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેરના જણાવ્યા મુજબ પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે કોર્પોરેશનની માલિકીનો આ સરકારી પ્લોટ પર કમ્પાઉન્ડ વોલ ચણીને ગેરકાયદેસર રીતે દબાણ ઊભું કર્યું હતું. આ બાબત પાલિકાના ધ્યાન પર આવતાં જ વહીવટી તંત્ર દ્વારા કાયદેસરની પ્રક્રિયા હાથ ધરીને યુસુફ પઠાણને આ વિવાદાસ્પદ દબાણ જાતે જ દૂર કરવા માટે અગાઉ સત્તાવાર નોટિસ પણ ફટકારવામાં આવી હતી. જોકે, પાલિકાની આ નોટિસ સામે પૂર્વ ક્રિકેટરે કાનૂની આશરો લીધો હતો.

હાઈકોર્ટના ચુકાદા બાદ પાલિકા લેશે નિર્ણય

પાલિકાની નોટિસના વિરોધમાં યુસુફ પઠાણ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને સ્ટે મેળવવા અરજી કરી હતી. ડેપ્યુટી કમિશનરે ઉમેર્યું કે, હાઇકોર્ટમાં આ કેસ અંગે બંને પક્ષો વચ્ચે લાંબી દલીલો પૂર્ણ થઈ ચૂકી હોવા છતાં પણ હજુ સુધી અદાલત દ્વારા કોઈ અંતિમ ચુકાદો આપવામાં આવ્યો નથી. હાલમાં આ મામલો સબજ્યુડિસ હોવાથી પાલિકા કોર્ટના આદેશની રાહ જોઈ રહી છે. આગામી 15 જૂનના રોજ હાઇકોર્ટ દ્વારા આ કેસનો ચુકાદો જાહેર થવાની સંભાવના છે, અને કોર્ટના ઓર્ડર બાદ પાલિકા તંત્ર આ સરકારી પ્લોટ પરથી દબાણ હટાવવા અંગે આખરી અને મક્કમ નિર્ણય કરશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: