વડોદરા શહેરમાં ઉનાળાની ઋતુમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે મોટું જલ સંકટ ઉભું થયું છે. વડોદરા કોર્પોરેશન દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, શહેરના અડધા ભાગને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડતી મહી ફ્રેન્ચવેલ લાઇન પર મેજર કટોકટી સર્જાઈ છે. ફ્રેન્ચવેલના કુવાઓમાં ભારે માત્રામાં રેતી ભરાઈ ગઈ હોવાથી મોટર અને પમ્પિંગ સિસ્ટમને નુકસાન ન થાય તે માટે તાત્કાલિક ધોરણે રેતી કાઢવાની અને સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ હાઇડ્રોલિક સમારકામ સતત ૩૦ દિવસ એટલે કે આખો એક મહિનો ચાલવાનું હોવાથી અડધા વડોદરામાં પીવાના પાણીનો મોટો કાપ ઝીંકી દેવાયો છે.
8 લાખની વસ્તી પર સીધી અસર
હવામાન વિભાગની ગરમીની આગાહીઓ વચ્ચે કોર્પોરેશનના આ આંચકાજનક નિર્ણયથી વડોદરાના ઉત્તર અને પૂર્વ ઝોનના વિસ્તારોમાં હાહાકાર મચી ગયો છે. મહી ફ્રેન્ચવેલ આધારિત કારેલીબાગ, સમા, અને છાણી જેવા હાઇ-પ્રોફાઇલ અને મધ્યમવર્ગીય વિસ્તારોમાં પાણી પુરવઠો ગંભીર રીતે ખોરવાશે. કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગના જણાવ્યા અનુસાર, આ વિસ્તારો સાથે જોડાયેલી કુલ ૧૬ મુખ્ય પાણીની ટાંકીઓ અને હાઇ-પ્રેશર બુસ્ટર પમ્પિંગ સ્ટેશનોને પૂરતો જથ્થો નહીં મળી શકે. પરિણામે, આગામી એક મહિના સુધી આ તમામ સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ્સમાં ખૂબ જ ઓછા સમય માટે અને સાવ નહિવત (લો પ્રેશર) ફોર્સથી પાણી આપવામાં આવશે.










