મોડાસાની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા 'મોડાસા નાગરિક સહકારી બેન્ક'ની ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ આખરે જાહેર થઈ ગયું છે. બેન્કના વહીવટ અને સત્તાના સૂત્રો હસ્તગત કરવા માટે રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં 15 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણીમાં સભાસદોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને અંદાજે ૫૫ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. ગઈકાલે મતદાન પૂર્ણ થયા બાદ રાત્રે જ મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં પળેપળ ઉત્તેજના વધતી જોવા મળી હતી.


વિશ્વાસ પેનલનો એકચક્રી શાસન તરફ વિજય

મોડી રાત્રે જાહેર થયેલા પરિણામો મુજબ, બેન્કની સ્થાપના અને ગરિમાને જાળવી રાખવાનો દાવો કરનારી 'વિશ્વાસ પેનલ' બહુમતી સાથે વિજેતા બનીને ઉભરી આવી છે. 15  ડિરેક્ટરોની આ પ્રતિષ્ઠાભરી જંગમાં વિશ્વાસ પેનલે વિરોધીઓને પરાસ્ત કરીને મોટાભાગની બેઠકો પોતાના નામે કરી લીધી છે. બીજી તરફ, બેન્કના વહીવટમાં પરિવર્તન લાવવાના નારા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરેલી 'પરિવર્તન પેનલ'ના તમામ ગણિત ઊંધા પડ્યા છે અને તેના ખાતામાં માત્ર ૨ બેઠકો જ આવી શકી છે.

સમર્થકોમાં ખુશીનો માહોલ, વિજયોત્સવ શરૂ

પરિણામોની સત્તાવાર જાહેરાત થતાં જ મોડાસા બેન્કની બહાર અને વિજેતા ઉમેદવારોના કાર્યાલયો પર સમર્થકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી, ડીજેના તાલે ગરબા ગાઈને અને ફટાકડા ફોડીને ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી હતી. સહકારી આગેવાનોના જણાવ્યા મુજબ, સભાસદોએ બેન્કના પારદર્શી વહીવટ પર ફરી એકવાર મહોર મારીને વિરોધ પક્ષને નકારી દીધો છે. આ જીત સાથે જ આગામી સમયમાં બેન્કના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી માટેની કવાયત પણ તેજ બનશે.

આ પણ વાંચો: Weather Update: ઉકળાટ વચ્ચે મેઘરાજાની એન્ટ્રી,ગુજરાતના 15 જિલ્લામાં વરસાદની આગાહી


  • Follow us on: