વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાંથી નિયમોનું ઉલ્લંઘન કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાધલી-અવાખલ રોડ પર આવેલા 66 કે.વી. સબ સ્ટેશન નજીક ખુલ્લામાં મોટા પાયે બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
ઇન્જેક્શનની વાયલો અને એમ્પ્યુલ્સનો ઢગલો
ઘટનાની મળતી માહિતી અનુસાર, સબ સ્ટેશન નજીકના ખુલ્લા મેદાનમાં કોઈ હોસ્પિટલ કે લેબોરેટરી દ્વારા ઇન્જેક્શનના ખાલી વાયલો અને કાચના એમ્પ્યુલ્સ સહિતનો જોખમી કચરો ફેંકી દેવામાં આવ્યો છે. સરકારના કડક નિયમો હોવા છતાં, બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવાને બદલે આ પ્રકારે તેને જાહેરમાં ફેંકી દેવાતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.
આરોગ્ય સામે તોળાતું મોટું જોખમ
આ પ્રકારના જોખમી મેડિકલ કચરાને કારણે સ્થાનિક રહીશો તેમજ ત્યાંથી પસાર થતા મૂંગા પશુઓના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. કાચના એમ્પ્યુલ્સ પશુઓના પગમાં વાગવાથી કે ચરવા દરમિયાન પેટમાં જવાથી તેમના જીવને જોખમ થઈ શકે છે, તેમજ આસપાસના વિસ્તારમાં ચેપી રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે.
જવાબદારો સામે કાર્યવાહીની માગ
આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનો અને સામાજિક કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માગ કરી રહ્યા છે કે, નિયમોનો સરેઆમ ભંગ કરીને રાત્રિના અંધારામાં આ કચરો ફેંકનારા તત્વો વિરૂદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
આરોગ્ય તંત્રની ભૂમિકા સામે સવાલ
હવે સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે, વહીવટી અને આરોગ્ય તંત્ર આ મામલે યોગ્ય તપાસ કરશે કે કેમ? મેડિકલ વેસ્ટ પર રહેલા બેચ નંબર કે અન્ય વિગતોના આધારે કસુરવાર હોસ્પિટલ કે ડોક્ટર સુધી પોલીસ પહોંચશે કે પછી આ મામલા પર ઠંડુ પાણી રેડી દેવામાં આવશે, તે અંગે સ્થાનિકોમાં ચર્ચા જાગી છે.
આ પણ વાંચો - Vadodara: શિનોર કડિયાવાડથી ટીમ્બા ફળિયા સુધી આરસીસી રોડનું ખાતમુહૂર્ત