વડોદરા જિલ્લાના સાવલી-કાલોલ માર્ગની બિસ્માર હાલતને લઈને સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ધનતેજ અને રતનપુરા વચ્ચેનો આશરે 3 કિલોમીટરનો રોડ અત્યંત ખખડધજ બની ગયો છે, જેના કારણે દરરોજ અહીંથી પસાર થતા હજારો વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર સમસ્યા અંગે સાવલી તાલુકા પંચાયતના સભ્ય જયેશ બાકરોલાએ મુખ્યમંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે. આ સાથે ચોમાસા પહેલા યોગ્ય ઉકેલ નહીં આવે, તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
મોટા ખાડાઓથી વાહનચાલકો અને દર્દીઓ પરેશાન
સાવલી-કાલોલ માર્ગ પર આવેલા ધનતેજ, નારપુરા, દીપાપુરા અને મેવલી ગામના લોકો લાંબા સમયથી આ ખરાબ રસ્તાનો ભોગ બની રહ્યા છે. રસ્તા પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા હોવાથી અકસ્માતનો ભય સતત મંડરાતો રહે છે. આ માર્ગ પરથી દરરોજ આશરે 1000થી વધુ વાહનોની અવરજવર થાય છે. રસ્તો એટલો બિસ્માર છે કે, કટોકટીના સમયે દર્દીઓ કે પ્રસુતિ મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવામાં ભારે વિલંબ થાય છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ પણ આ માર્ગ પરથી પસાર થતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.













