ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. આવા સમયમાં ટ્રમ્પે ઈરાનને મોટી ધમકી આપી છે. એક પોસ્ટમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, આજે રાત્રે અમેરિકા ઈરાન પર જોરદાર હુમલો કરશે. ઈરાનની નેવી, એરફોર્સ, રડાર, એન્ટી-એરક્રાફ્ટ અને અન્ય તમામ પ્રકારની ડિફેન્સ સિસ્ટમની સાથે તેની મોટાભાગની હુમલો કરવાની ક્ષમતા પણ ખતમ થઈ ચૂકી છે. આગામી સમયમાં અમે ખર્ગ આઈલેન્ડ (દ્વીપ) અને તેલ સાથે સંકળાયેલા અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કબજો કરી લઈશું. આ જ પોસ્ટમાં ટ્રમ્પ આગળ લખે છે કે, ઈરાનના તેલ અને ગેસ માર્કેટ પર અમે સંપૂર્ણ નિયંત્રણ મેળવી લઈશું. બરાબર એ જ રીતે જે રીતે અમે વેનેઝુએલાના મામલામાં કર્યું છે, જે વેનેઝુએલા અને અમેરિકા બંને માટે ખૂબ જ ઉત્તમ સાબિત થઈ રહ્યું છે.
શાંતિ વાર્તા અટકેલી હોય તેમ લાગી રહ્યું છે
આ પોસ્ટ ઉપરાંત ટ્રમ્પે એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે,અમેરિકાએ ઈરાનની સરકારને તોડી પાડવા માટે ઈરાનના લોકો સુધી હથિયારો પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પ્રાદેશિક સહયોગીઓએ અમને નિરાશ કર્યા. અમેરિકાએ ઈરાનના પ્રાદેશિક દુશ્મન કુર્દ લોકોને હથિયારો આપ્યા હતા પરંતુ તેમને લાગે છે કે તેમણે હથિયારો વહેંચવાને બદલે પોતાની પાસે જ રાખી લીધા. ટ્રમ્પે કહ્યું, "કુર્દોએ અમને નિરાશ કર્યા છે પરંતુ હું આ વાત યાદ રાખીશ." શરૂઆતમાં અમે આ યોજનાની વિરુદ્ધમાં હતા કારણ કે શંકા હતી કે કુર્દ હથિયારો પોતાની પાસે જ રાખી લેશે અને આખરે એવું જ થયું. હવે ટ્રમ્પનું કહેવું છે કે ગુરુવારે ઈરાન વિરુદ્ધ અમેરિકી હુમલા ચાલુ રહેશે કારણ કે શાંતિ વાર્તા અટકેલી હોય તેમ લાગી રહ્યું છે.













