પાકિસ્તાનમાં આર્થિક મોરચો ખૂબજ ચિંતાનો વિષય બન્યો છે. ઈકોનોમીના લેવલે ખૂબજ દયનિય હાલત હોવા છતાં પાકિસ્તાન નવો સેટેલાઈટ લોન્ચ કરી રહ્યો છે. જેના કારણે ભારતની ચિંતામાં વધારો થયો છે. આ સેટેલાઈટ દ્વારા પાકિસ્તાન ભારતના દરેક ખૂણા પર નજર રાખી શકે છે.સ્થિતિ એ છે કે છેલ્લા 16 મહિનામાં પાકિસ્તાને ચીનની મદદથી કુલ છ સેટેલાઇટ લોન્ચ કર્યા છે.એટલે કે દર અઢી મહિને પાકિસ્તાન એક અર્થ-ઓબ્ઝર્વેશન સેટેલાઇટ લોન્ચ કરી રહ્યો છે. આ દરમિયાન ભારતની પોતાની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ NavIC શરૂઆત પછીના સૌથી મોટા પડકારનો સામનો કરી રહી છે.આ નવા પગલાથી પરમાણુ સંપન્ન બંને પાડોશી દેશો વચ્ચે હવે એક નવી સ્પર્ધા શરૂ થઈ ગઈ છે.


તમામ સેટેલાઇટ્સ ચીનની સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકેટની મદદથી લોન્ચ કર્યા

રિયર એડમિરલ સુધીર પિલ્લાઈ (નિવૃત્ત)ના જણાવ્યા અનુસાર,આ ઉપગ્રહોની રચના અને તેમના સેન્સર પેલોડ સ્પષ્ટપણે વ્યૂહાત્મક અને સુરક્ષા સંબંધી ઉપયોગો તરફ ઈશારો કરે છે. તેમના મતે આ પાકિસ્તાનની આકાશી આંખો છે. જે સતત ભારતના દરેક ખૂણા પર નજર રાખવા માટે જ ડિઝાઇન કરવામાં આવી છે.પાકિસ્તાન દ્વારા લોન્ચ કરવામાં આવેલા 6 સેટેલાઇટ્સમાં PAUSAT-1, PRSC-EO1, PRSS-2, HS-1, PRSC-EO2 અને PRSC-EO3 નો સમાવેશ થાય છે.પાકિસ્તાનની સ્પેસ એજન્સી SUPARCOએ આ તમામ સેટેલાઇટ્સ ચીનની સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકેટની મદદથી લોન્ચ કર્યા છે.

નેવિગેશન સિસ્ટમ ટેકનિકલ ખામીઓનો સામનો કરી રહી છે

પાકિસ્તાનની આ ચાલ વચ્ચે ભારત માટે ચિંતાની વાત એ છે કે તેની પોતાની નેવિગેશન સિસ્ટમ,જેને અમેરિકન GPSના વિકલ્પ તરીકે વિકસાવવામાં આવી હતી. તે હવે ટેકનિકલ ખામીઓનો સામનો કરી રહી છે. NavICની સ્થિતિ હાલમાં ઘણી નાજુક છે.આ નેવિગેશન માટે સૌથી મહત્વપૂર્ણ એવી રૂબિડિયમ પરમાણુ ક્લોકકેટલાય ઉપગ્રહોમાં બગડી ગઈ છે. જેના કારણે ચોક્કસ લોકેશન જણાવવું અશક્ય બની ગયું છે. આ ઉપરાંત,2013થી 2016 વચ્ચે લોન્ચ કરવામાં આવેલા પ્રથમ પેઢીના ઘણા ઉપગ્રહો હવે તેમના નિર્ધારિત કાર્યકાળના અંત પર પહોંચી ગયા છે. ઇસરો (ISRO)નો પ્રયાસ ત્યારે વધુ પાછળ ધકેલાઈ ગયો જ્યારે બીજી પેઢીનો રિપ્લેસમેન્ટ ઉપગ્રહ NVS-02 પ્રોપલ્શન સંબંધી સમસ્યાઓના કારણે તેની સાચી કક્ષામાં પહોંચી શક્યો નહીં. 

ઓછામાં ઓછા સાત ઉપગ્રહો હોવા અનિવાર્ય

એક અસરકારક પ્રાદેશિક નેવિગેશન સિસ્ટમ માટે ઓછામાં ઓછા સાત ઉપગ્રહો હોવા અનિવાર્ય છે. પરંતુ વર્તમાનમાં માત્ર ત્રણ ઉપગ્રહો (IRNSS-1B, IRNSS-11 અને NVS-01) જ પૂર્ણ સેવા આપવા માટે સક્ષમ હોવાનું કહેવાય છે. વિશ્વસનીય 3D પોઝિશનિંગ માટે ન્યૂનતમ ચાર ઉપગ્રહોની જરૂરિયાત હોય છે.NavIC માત્ર નાગરિક ઉપયોગ માટે જ નહીં, પરંતુ મિસાઈલ ગાઈડન્સ, નૌસેના સંચાલન અને સુરક્ષિત સૈન્ય સંદેશાવ્યવહાર માટે ભારતની સંપ્રભુતાનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. કારગિલ યુદ્ધ દરમિયાન વિદેશી નેવિગેશન સેવાઓ પર નિર્ભરતાના જોખમને જોતા જ આ સિસ્ટમનો પાયો નાખવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે તે સંકટમાં છે.

પાકિસ્તાનના સેટેલાઇટ્સ સન-સિન્ક્રોનસ ઓર્બિટમાં તૈનાત 

પાકિસ્તાનના સેટેલાઇટ્સ સન-સિન્ક્રોનસ ઓર્બિટમાં તૈનાત કરવામાં આવ્યા છે.તેમની કક્ષા કંઈક એવી છે કે તેઓ ઉત્તર ભારત, ખાસ કરીને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના વિસ્તારોની સતત અને વારંવાર તસવીરો ખેંચવામાં સક્ષમ છે.સત્તાવાર રીતે આ ઉપગ્રહો કૃષિ, મેપિંગ (નકશા બનાવવા) અને આપત્તિ વ્યવસ્થાપન જેવા સિવિલિયનઉપયોગ માટે લોન્ચ કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે, પરંતુ તેમાં હાઈ-રિઝોલ્યુશન ઓપ્ટિકલ ઈમેજિંગ અને હાઈપરસ્પેક્ટ્રલ સેન્સર્સ લાગેલા છે, જે તેમને ગુપ્તચર દેખરેખ માટે અત્યંત સક્ષમ બનાવે છે. આના માધ્યમથી પાકિસ્તાન અને ચીન બંને માત્ર ભારતની ઉત્તરી સરહદની ભૌગોલિક દેખરેખ જ નથી રાખી રહ્યા, પરંતુ સૈનિકોની તૈનાતી, હલચલ, સૈન્ય મથકો અને અડ્ડાઓ પર પણ નજર રાખી રહ્યા છે, જે ભારતની સુરક્ષામાં મોટું ગાબડું પાડી શકે છે.

આ પણ વાંચોઃ TMCને કોલકાતા હાઈકોર્ટ તરફથી કોઇ રાહત નહી, ઋતાબ્રત બેનર્જી વિપક્ષના નેતા તરીકે યથાવત્


  • Follow us on: