સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે. સુરતના પુણા વિસ્તારમાં આજે જાહેરમાં એક યુવકની ઘાતકી હત્યા કરાતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. મહાનગર પાલિકાના પુણા લેક ગાર્ડનના ગેટ પાસે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો.


ગાર્ડનના ગેટ પાસે જ યુવકને રહેંસી નાખ્યો

મળતી માહિતી મુજબ, 25 થી 30 વર્ષની ઉંમરના કરણ વિક્રમભાઈ વાઘેલા નામના યુવક પર ૨ થી ૩ જેટલા અજાણ્યા ઇસમોએ અચાનક તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ કરણને જાહેરમાં આડેધડ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓ થવાના કારણે કરણ વાઘેલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

પ્રેમપ્રકરણમાં હત્યા થઈ હોવાની આશંકા

આ ઘટનાની જાણ થતાં જ પુણા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ પ્રેમપ્રકરણ જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, પોલીસ અલગ-અલગ એંગલથી તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સુરતમાં ગુનાખોરી બેફામ: 5 મહિનામાં 52 હત્યા

સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આ નવી ઘટના સાથે સુરતમાં છેલ્લા માત્ર ૫ મહિનામાં જ હત્યાનો આંકડો ૫૨ પર પહોંચી ગયો છે. જાહેરમાં થઈ રહેલી આ પ્રકારની હત્યાઓની ઘટનાઓએ સુરત પોલીસની કામગીરી સામે પણ મોટા સવાલો ઉભા કર્યા છે.


આ પણ વાંચો - Surat News: નાસિરનગરમાં ડિમોલિશન કોણે કર્યું તે ખબર નથી, કમિશનર જવાબ આપ્યા વિના ભાગ્યા


  • Follow us on: