વડોદરા જિલ્લાના સાવલી-ઉદલપુર માર્ગ પર આવેલા બ્રિજની નબળી કામગીરીનો મુદ્દો ફરી એકવાર જોરશોરથી ગાજ્યો છે. આ બ્રિજના નિર્માણ કાર્યમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સમગ્ર પંથકમાં ભારે વિવાદ ઊભો થયો છે. સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે આ બ્રિજની કામગીરી અંગે અગાઉ લેખિતમાં ઉચ્ચ સ્તરે ધારદાર રજૂઆતો કરી હોવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર નિકાલ ન આવતાં આ મામલે વડોદરાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.


બ્રિજના કામ સામે સવાલો યથાવત

સાવલી-ઉદલપુર રોડ પર બની રહેલા બ્રિજના કામની ગુણવત્તા સામે સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા લાંબા સમયથી સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા. આ લોકફરિયાદોને ધ્યાને લઈને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે અગાઉ સબંધિત વિભાગના મંત્રી અને ઉચ્ચ અધિકારીઓને પત્ર લખીને કડક રજૂઆત કરી હતી. જોકે, આ સત્તાવાર રજૂઆતના મહિનાઓ બાદ પણ સરકારી તંત્ર કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યું હોય તેમ હજી સુધી આ પ્રશ્નનો કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો નથી, જેને પગલે બ્રિજના નબળા કામ અંગેના અનેક સવાલો આજે પણ યથાવત છે.

ધારાસભ્ય કેતન ઇનામદારે આપી કડક ચેતવણી

તંત્રની આ ઢીલી નીતિ અને ઉદાસીનતા સામે આક્રોશ વ્યક્ત કરતાં ધારાસભ્ય કેતન ઇનામદારે હવે આરપારની લડાઈના મૂડમાં કડક વલણ અપનાવ્યું છે. તેમણે મીડિયા સમક્ષ સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ માર્ગ અને બ્રિજના કામની યોગ્ય, નિષ્પક્ષ તેમજ ઉચ્ચ સ્તરીય વિજિલન્સ (તપાસ સમિતિ) તપાસ કરાવવાની ઉગ્ર માંગ કરી છે.

"કોઈ જાનહાનિ થશે તો તંત્ર જવાબદાર": ધારાસભ્ય કેતન ઇનામદાર

આ સાથે તેમણે તંત્રને સીધી ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો આ નબળા બ્રિજના કારણે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ઘટશે કે કોઈ નિર્દોષ નાગરિકની જાનહાનિ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારી તંત્ર અને જવાબદાર અધિકારીઓની રહેશે. તેમણે આ નબળા કામ પાછળ જવાબદાર તમામ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે કાયદેસરના કડક પગલાં ભરવાની માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: