વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પાંચમી સિઝનનું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. ટૂર્નામેન્ટની શરૂઆત 14 જાન્યુઆરી, 2027ના રોજ વડોદરામાં થશે, જ્યારે ફાઇનલ મેચ 7 ફેબ્રુઆરીએ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ બુધવારે, 4 નવેમ્બરે સમગ્ર ટૂર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ સિઝનમાં કુલ 22 મેચ રમાશે. આ તમામ મેચ વડોદરા અને મુંબઈ એમ બે શહેરોમાં યોજાશે. બંને શહેરોને 11-11 મેચની યજમાની સોંપવામાં આવી છે. દરેક મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.
પ્રથમ મેચમાં RCB સામે મુંબઈ ઇન્ડિયન્સ
ટૂર્નામેન્ટની શરૂઆતમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)નો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે થશે. આ મેચ 14 જાન્યુઆરીએ વડોદરામાં રમાશે. બંને ટીમો WPLની અત્યાર સુધીની બે-બે વખતની ચેમ્પિયન રહી છે. વડોદરામાં 14થી 24 જાન્યુઆરી સુધી પ્રથમ તબક્કાની મેચો રમાશે. આ દરમિયાન પાંચેય ટીમો ટાઇટલ જીતવાની દિશામાં પોતાની સફર શરૂ કરશે. ત્યારબાદ ટૂર્નામેન્ટનો બીજો તબક્કો મુંબઈમાં યોજાશે.
26 જાન્યુઆરીથી મુંબઈમાં મેચો
26 જાન્યુઆરીથી મુંબઈના ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા (CCI)ના બ્રેબોર્ન સ્ટેડિયમમાં બાકીની 11 મેચ રમાશે. લીગ તબક્કાની મેચો 3 ફેબ્રુઆરી સુધી ચાલશે. ત્યારબાદ પ્લેઓફની મેચો યોજાશે. પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવનારી ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે. જ્યારે બીજા અને ત્રીજા ક્રમે રહેલી ટીમો વચ્ચે એલિમિનેટર રમાશે. આ મેચની વિજેતા ટીમ ફાઇનલમાં પ્રથમ સ્થાન મેળવનારી ટીમ સામે ટકરાશે.

7 ફેબ્રુઆરીએ ફાઇનલ, કોણ બનશે ચેમ્પિયન?
WPL 2027ની ફાઇનલ મેચ 7 ફેબ્રુઆરીએ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. આ સાથે પાંચમી સિઝનના ચેમ્પિયનનો નિર્ણય થશે. આ વખતે RCB ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ઉલ્લેખનીય છે કે 2026ની સિઝનમાં RCBએ ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ વખતે મુંબઈ અને વડોદરામાં રમાનારી મેચો સાથે મહિલા ક્રિકેટના ચાહકોને ફરી એકવાર રોમાંચક ટૂર્નામેન્ટ જોવા મળશે.
ઓક્શનમાં ટીમોએ મજબૂત કરી પોતાની ટુકડીઓ
WPL 2027 માટે ખેલાડીઓની હરાજી 28 ઑક્ટોબરે કોચીમાં યોજાઈ હતી. આ હરાજીમાં ઓસ્ટ્રેલિયાની સોફી મોલિન્યુ સૌથી મોંઘી ખેલાડી રહી હતી. યુપી વોરિયર્સે તેને ₹1.10 કરોડમાં ખરીદી હતી. જ્યારે ભારતીય ખેલાડીઓમાં કિરણ નવગિરે સૌથી મોંઘી રહી હતી, જેને દિલ્હી કેપિટલ્સે ₹75 લાખમાં પોતાની ટીમમાં સામેલ કરી હતી.
હવે પાંચેય ટીમોની ટુકડીઓ તૈયાર થઈ ગઈ છે અને 14 જાન્યુઆરીથી મેદાન પર ટાઇટલ માટેની ટક્કર શરૂ થશે.
આ પણ વાંચો: Virat Kohli, Rohit Sharma, Shubman Gillને મળ્યું ખાસ સરપ્રાઇઝ! ન્યૂઝીલેન્ડના રગ્બી લિજેન્ડે ભેટમાં આપી 'ઓલ બ્લેક્સ' જર્સી