ભારતીય ક્રિકેટ ટીમનો યુવા સ્ટાર અભિષેક શર્મા T20 ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. IPL હોય કે ભારતીય ટીમની મેચ,અભિષેક પોતાની આક્રમક બેટિંગથી ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.તેની બેટિંગમાં યુવરાજ સિંહનો પણ મોટો ફાળો રહ્યો છે. યુવરાજે અભિષેકની બેટિંગ પર લાંબા સમયથી કામ કર્યું છે અને તેને અનેક મહત્વની બાબતો શીખવી છે.અભિષેક શર્મા પણ યુવરાજ સિંહને પોતાના ગુરુ માને છે અને તેમની સલાહને મહત્વ આપે છે. જોકે, ક્યારેક અભિષેક પોતાના ગુરુની વાત ન માને તો તેને મજેદાર સજા પણ મળે છે. હાલમાં યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં અભિષેક કાન પકડીને ઉઠક-બેઠક કરતો જોવા મળે છે.
યુવરાજે અભિષેકને કેમ કરાવી ઉઠક-બેઠક?
યુવરાજ સિંહે પોતાના Instagram પર શેર કરેલા વીડિયોમાં અભિષેક શર્મા કાન પકડીને ઉઠક-બેઠક કરતો જોવા મળે છે.આ દરમિયાન યુવરાજ તેને એક વચન બોલવા કહે છે.યુવરાજ કહે છે કે,પહેલી જ બોલથી મોટો શોટ રમવાનો પ્રયાસ નહીં કરું.પહેલી બોલ હવામાં નહીં મારું અને થોડો સમય લઈને બેટિંગ કરીશ.અભિષેક પણ યુવરાજની વાતનું પુનરાવર્તન કરે છે અને સાથે ઉઠક-બેઠક કરે છે.આ વીડિયો માત્ર મજેદાર ક્ષણ પૂરતો મર્યાદિત નથી.તેમાં યુવરાજ અને અભિષેક વચ્ચેનું ખાસ બોન્ડ પણ જોવા મળે છે.યુવરાજે વીડિયોમાં અભિષેક સાથે વિતાવેલી કેટલીક યાદગાર ક્ષણોની તસવીરો પણ શેર કરી છે.બંને વચ્ચેના ગુરુ-શિષ્યના સંબંધની ઝલક ચાહકોને જોવા મળી છે.યુવરાજ સિંહે અભિષેકની બેટિંગ પર ખૂબ મહેનત કરી છે.ખાસ કરીને T20 ક્રિકેટમાં આક્રમક બેટિંગ કરતી વખતે ક્યારે સંયમ રાખવો અને ક્યારે શોટ રમવો તે બાબતે યુવરાજે તેને માર્ગદર્શન આપ્યું છે.તેના પરિણામે અભિષેકે ભારતીય ટીમમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.
