ક્રિકેટના મેદાન પર ક્યારેક એક ઇનિંગ્સ પાછળ માત્ર પ્રતિભા જ નહીં, પરંતુ યોગ્ય સમયે મળેલી સલાહ પણ મોટો ભાગ ભજવતી હોય છે. 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ UAE સામે 204 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમીને આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું. જોકે, આ ધમાકેદાર પ્રદર્શન પહેલાં વૈભવ પોતાની બેટિંગને લઈને થોડો પરેશાન હતો. ટુર્નામેન્ટની પ્રથમ બે મેચમાં તે ખાસ કમાલ કરી શક્યો નહોતો. આ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે તેણે પોતાના આદર્શ અને ભારતના ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહ સાથે વાત કરી હતી. યુવરાજની લગભગ 30 મિનિટની સલાહ બાદ વૈભવે મેદાન પર જે કર્યું તે હવે ક્રિકેટના ઇતિહાસમાં નોંધાઈ ગયું છે.
યુવરાજે વૈભવને શું સલાહ આપી?
વૈભવે BCCI TV સાથેની વાતચીતમાં જણાવ્યું કે UAE સામેની મેચ પહેલાં તેણે ચાર લોકો સાથે વાત કરી હતી. તેમાં તેના પિતા, બાળપણના કોચ મનીષ ઓઝા, અંડર-19 ટીમનો મિત્ર પ્રથમ જક્કડ અને યુવરાજ સિંહનો સમાવેશ થાય છે. વૈભવે કહ્યું કે તે પોતાની બેટિંગમાં આવી રહેલી મુશ્કેલીઓ વિશે યુવરાજ સાથે ખુલ્લા મનથી વાત કરી હતી. યુવરાજે તેને લગભગ 30 મિનિટ સુધી બેટિંગની ઝીણવટભરી બાબતો સમજાવી હતી. ખાસ કરીને ક્રીઝ પર શરૂઆતમાં સમય આપવાની સલાહ આપી હતી.
https://x.com/gangadhar_11/status/2125442372666634530?a=YOJ1jSmjOmyG8Iz0mxk&s=20
યુવરાજે તેને સમજાવ્યું હતું કે જો તે શરૂઆતની 20 બોલ સારી રીતે રમી લેશે તો ત્યારબાદ તેનો સ્કોર ઘણો અલગ હોઈ શકે છે. વૈભવે યુવરાજની વાત ધ્યાનથી સાંભળી અને પોતાની બેટિંગના વીડિયો પણ જોયા. તેમાં તેને પોતાની કેટલીક ભૂલો સમજાઈ હતી. UAE સામેની મેચમાં તેણે આ ભૂલો સુધારવાનો પ્રયાસ કર્યો હતો.
53 બોલમાં 204 રન, ચારેય તરફ છગ્ગાનો વરસાદ
યુવરાજની સલાહનો મેદાન પર વૈભવને ફાયદો થયો. તેણે UAE સામે શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી. 15 વર્ષના આ બેટરે માત્ર 28 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ત્યારબાદ 40 બોલમાં 150 અને 52 બોલમાં બેવડી સદી ફટકારી હતી. અંતે તે 53 બોલમાં 204 રન બનાવીને આઉટ થયો હતો. આ ઇનિંગ્સમાં વૈભવે 28 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી અને સૌથી ઝડપી બેવડી સદીનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. અગાઉ સૌથી ઝડપી લિસ્ટ-એ બેવડી સદીનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના ચેડ બોવ્સના નામે હતો, જેમણે 103 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. ભારત-એએ UAEના 249 રનના જવાબમાં માત્ર 14.2 ઓવરમાં 254/3નો સ્કોર કરીને 7 વિકેટે જીત મેળવી હતી. વૈભવની આ ઇનિંગ્સે ટીમને સેમિફાઇનલમાં પહોંચાડવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
યુવરાજે પણ વૈભવના વખાણ કર્યા
વૈભવના ઐતિહાસિક પ્રદર્શન બાદ યુવરાજ સિંહે પણ સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા કરી હતી. યુવરાજે તેને ખાસ પ્રતિભા ગણાવી હતી અને 52 બોલમાં બેવડી સદી ફટકારવાની તેની હિંમતભરી બેટિંગને બિરદાવી હતી. સાથે જ તેને મહેનત ચાલુ રાખવા અને રમતનો આનંદ માણવાની સલાહ આપી હતી. યુવરાજ પોતે પણ આક્રમક બેટિંગ માટે જાણીતા રહ્યા છે. 2007ના T20 વર્લ્ડ કપમાં તેમણે ઇંગ્લેન્ડ સામે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા. હવે તેમની સલાહથી વૈભવને પોતાની બેટિંગમાં સુધારો કરવામાં મદદ મળી હોવાની વાત સામે આવી છે.
વૈભવની આ ઇનિંગ્સે તેની પ્રતિભા અને દબાણમાં પોતાની રમત સુધારવાની ક્ષમતા બંને દર્શાવી છે. હવે સેમિફાઇનલમાં પણ તેની બેટિંગ પર ક્રિકેટપ્રેમીઓની નજર રહેશે.
આ પણ વાંચો: India A vs Sri Lanka A Semifinal: વૈભવ સૂર્યવંશીની બેવડી સદી બાદ ભારત A સેમિફાઇનલમાં! જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ