ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પોતાના અંગત જીવનના સૌથી અંધકારમય અને મુશ્કેલ સમય વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મેદાન પર પોતાની ચપળ સ્પિન બોલિંગથી વિશ્વના દિગ્ગજ બેટ્સમેનોને નચાવનારા ચહલે જણાવ્યું કે તેઓ વાસ્તવિક જીવનમાં ભારે ભાવનાત્મક અને માનસિક પડકારો સામે ઝઝૂમી રહ્યા હતા. ભારતના પૂર્વ ઓપનર આકાશ ચોપરાના પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન ચહલે સ્વીકાર્યું કે તેઓ દારૂની ગંભીર લતનો શિકાર બન્યા હતા અને તેનાથી મુક્તિ મેળવવા માટે તેમને ૨૬ દિવસ સુધી નશામુક્તિ કેન્દ્ર માં ગાળવા પડ્યા હતા.

દારૂની લત અને 26 દિવસ રિહેબ સેન્ટરની સફર

યુઝવેન્દ્ર ચહલે પોડકાસ્ટમાં ખુલ્લેઆમ વાત કરતા જણાવ્યું કે કાઉન્ટી ક્રિકેટ રમ્યા બાદ તેમની દારૂ પીવાની આદત ખૂબ જ વધી ગઈ હતી, જે તેમના અંગત અને વ્યાવસાયિક જીવન પર ગંભીર અસર કરી રહી હતી.પોતાની સ્થિતિ બગડતી જોઈ ચહલે પ્રોફેશનલ મદદ લેવાનું નક્કી કર્યું અને રિહેબ સેન્ટરમાં 26 દિવસ વિતાવ્યા.ચહલના જણાવ્યા અનુસાર,આ નિર્ણય તેમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.આ નશામુક્તિ પ્રક્રિયા બાદ તેઓ પોતાની ભાવનાઓ પર કાબૂ મેળવતા શીખ્યા અને જીવનમાં સંતુલન લાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે જણાવ્યું કે આ બદલાવની સકારાત્મક અસર પાછલી આઈપીએલ દરમિયાન જોવા મળી હતી, જ્યાં તેઓ પોતાની ફિટનેસ,જિમ ટ્રેનિંગ અને ફિલ્ડિંગ પ્રેક્ટિસ પર વધુ સારી રીતે ધ્યાન આપી શક્યા હતા.

પાર્ટી કલ્ચર અને એબી ડિવિલિયર્સની એ સલાહ

ચહલે યાદ કર્યું કે દારૂ સાથે જોડાયેલી તેમની સમસ્યાઓની શરૂઆત વર્ષ 2011માં થઈ હતી, જ્યારે તેઓ યુવાન હતા અને આઈપીએલમાં નવું નવું રમવાનું શરૂ કર્યું હતું. ક્રિકેટની સાથે ગ્લેમર અને પાર્ટીઓનું વાતાવરણ પણ તેમના જીવનનો એક ભાગ બની ગયું હતું. આ મુશ્કેલ સમયમાં દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર અને આરસીબીના પૂર્વ સાથી એબી ડિવિલિયર્સે તેમને મોટો સાથ આપ્યો હતો. ડિવિલિયર્સે ચહલને સમજાવ્યું હતું કે ક્રિકેટ અને અંગત જીવનમાં સંતુલન જાળવવું કેટલું અનિવાર્ય છે.

તલાક બાદ તૂટી પડ્યા હતા ચહલ, ડિપ્રેશન અને એન્ઝાયટીનો બન્યા ભોગ

પોતાના અંગત જીવનના દર્દને વહેંચતા ચહલે જણાવ્યું કે પત્ની સાથેના તલાક બાદ તેઓ માનસિક રીતે સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા અને તેમની મુશ્કેલીઓ બમણી થઈ ગઈ હતી.ભારે માનસિક તણાવ વચ્ચે તેમને સમજાયું કે જો તેઓ પોતાની આ ખરાબ આદતો નહીં બદલે તો તેમની સૌથી વહાલી વસ્તુ એટલે કે ક્રિકેટ કરિયર બરબાદ થઈ જશે.આ ગાળા દરમિયાન તેઓ એન્ઝાયટી અને પેનિક એટેકનો પણ સામનો કરી રહ્યા હતા.ગભરામણના કારણે તેમના હૃદયના ધબકારા વધી જતા અને બોલવામાં પણ તકલીફ થતી હતી.આ સ્થિતિમાંથી બહાર આવવા માટે તેમણે પૂર્વ બીસીસીઆઈ (BCCI) ખજાનચી અનિરુદ્ધ ચૌધરી સાથે વાત કરીને ક્રિકેટમાંથી થોડો સમય વિરામ લીધો હતો,જેમાં તેમને પૂરો વહીવટી સહકાર મળ્યો હતો.

પરિવારના સાથથી થઈ નવી શરૂઆત, હવે ક્રિકેટ પર ફોકસ

ચહલે જણાવ્યું કે સેલિબ્રિટી હોવાના કારણે લોકો સોશિયલ મીડિયા પર અંગત જીવન વિશે ઘણી ટીકાઓ અને ટિપ્પણીઓ કરતા હોય છે, જેનો સામનો કરવો સરળ નહોતો. પરંતુ આ કપરા સમયમાં તેમના પરિવારે અને સાચા મિત્રોએ તેમનો હાથ ક્યારેય છોડ્યો નહીં. આઈપીએલના ઈતિહાસના સૌથી સફળ બોલરોમાંના એક એવા યુઝવેન્દ્ર ચહલ હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને પોતાના જીવનથી ખુશ છે. ચહલની આ લડત અને ખુલાસો દર્શાવે છે કે ગમે તેટલી મોટી માનસિક બીમારી કે લત હોય, જો યોગ્ય સમયે મદદ લેવામાં આવે તો માણસ ગમે તેવા કપરા સમયમાંથી બહાર આવી શકે છે.

આ પણ વાંચો - Sunil Gavaskar : 8-8 બેટ્સમેનોથી કંઈ નહીં વળે! ટીમ ઈન્ડિયાની ફ્લોપ બોલિંગ પર ભડક્યા સુનીલ ગાવસ્કર