ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ઝિમ્બાબ્વેએ એવો વિશ્વવિક્રમ બનાવ્યો છે, જે આજ સુધી કોઈ પણ ટીમ કરી શકી નહોતી. અફઘાનિસ્તાન સામે શારજાહમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ઝિમ્બાબ્વેએ બંને ઇનિંગ્સમાં 500થી વધુ રન બનાવી ઇતિહાસ રચ્યો છે. આ સાથે જ એક જ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં 500થી વધુ રન બનાવનારી ઝિમ્બાબ્વે દુનિયાની પ્રથમ ટીમ બની ગઈ છે.ટેસ્ટ ક્રિકેટનો ઇતિહાસ લગભગ 149 વર્ષ જૂનો છે. આટલા લાંબા સમયગાળામાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવી દિગ્ગજ ટીમો પણ આ સિદ્ધિ મેળવી શકી નહોતી. પરંતુ ઝિમ્બાબ્વેએ શાનદાર બેટિંગ કરીને આ અનોખો વિશ્વવિક્રમ પોતાના નામે કર્યો છે.

ઝિમ્બાબ્વેએ બંને ઇનિંગ્સમાં રચ્યો ઇતિહાસ

અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે શારજાહમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચમાં બેટ્સમેનોએ જોરદાર બેટિંગ કરી હતી. ઝિમ્બાબ્વેએ પ્રથમ ઇનિંગ્સમાં તમામ વિકેટ ગુમાવીને 504 રન બનાવ્યા હતા.જવાબમાં અફઘાનિસ્તાનની ટીમે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પ્રથમ ઇનિંગ્સમાં 514 રન બનાવ્યા હતા. ત્યારબાદ બીજી ઇનિંગ્સમાં ઝિમ્બાબ્વેએ વધુ આક્રમક બેટિંગ કરી હતી. ટીમે 5 વિકેટના નુકસાન પર 523 રન બનાવી દાવ જાહેર કર્યો નહોતો.મેચના પાંચમા દિવસે ખરાબ પ્રકાશને કારણે રમત આગળ વધી શકી નહોતી અને અંતે મેચ ડ્રો જાહેર કરવામાં આવી હતી.આ મુકાબલામાં બંને ટીમોએ મળીને 1500થી વધુ રન બનાવ્યા હતા. મેચમાં કુલ 6 સદી અને એક બેવડી સદી પણ જોવા મળી હતી.

https://x.com/ICC/status/2119997385552359890?a=OXVl48KXp3lkWH3ODFE&s=20

41 વર્ષની ઉંમરે ક્રેગ એર્વિને ફટકારી બેવડી સદી

આ ઐતિહાસિક મેચમાં ઝિમ્બાબ્વેના અનુભવી બેટ્સમેન ક્રેગ એર્વિને પણ પોતાના નામે મોટો રેકોર્ડ નોંધાવ્યો હતો. તેમણે બીજી ઇનિંગ્સમાં અણનમ 206 રનની શાનદાર બેવડી સદી ફટકારી હતી.ખાસ વાત એ છે કે એર્વિને 41 વર્ષ અને 82 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે તેઓ છેલ્લા 100 વર્ષમાં ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારા સૌથી મોટી ઉંમરના ખેલાડીઓમાં સામેલ થયા છે.એર્વિનની આ ઇનિંગ્સે ઝિમ્બાબ્વેને મજબૂત સ્થિતિમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

બ્રેન્ડન ટેલર અને બ્રાયન બેનેટની પણ સદી

ઝિમ્બાબ્વેની પ્રથમ ઇનિંગ્સમાં બ્રેન્ડન ટેલરે 131 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન બ્રાયન બેનેટે 128 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.બીજી તરફ અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ પણ જોરદાર જવાબ આપ્યો હતો. પ્રથમ ઇનિંગ્સમાં સેદીકુલ્લાહ અટલે 105 રન, રહેમાનુલ્લાહ ગુરબાઝે 113 રન અને કેપ્ટન રહમત શાહે 173 રનની યાદગાર ઇનિંગ્સ રમી હતી.બીજી ઇનિંગ્સમાં ઝિમ્બાબ્વે તરફથી ક્રેગ એર્વિન 206 રન બનાવી અણનમ રહ્યા હતા. જ્યારે વેસ્લી મધેવીરેએ પણ અણનમ 100 રન બનાવ્યા હતા.આમ, શારજાહની બેટિંગ માટે અનુકૂળ પીચ પર બંને ટીમોના બેટ્સમેનોએ રનનો વરસાદ કર્યો હતો અને ટેસ્ટ ક્રિકેટમાં એક નવો ઇતિહાસ રચાયો હતો.

આ પણ વાંચો - ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફેરફાર! વેસ્ટ ઈન્ડિઝે લગાવી મોટી છલાંગ, ટીમ ઈન્ડિયા કયા સ્થાને?