ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આગામી આંતરરાષ્ટ્રીય સિઝનની શરૂઆત ઘરઆંગણે ઝિમ્બાબ્વે સામે કરશે. બંને ટીમો વચ્ચે 3 મેચની T20 અને 3 મેચની વનડે શ્રેણી રમાવાની છે. આ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે અગાઉ જ ભારતીય ટીમની જાહેરાત કરી હતી. હવે ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે પણ ભારત પ્રવાસ માટે પોતાની મહિલા ટીમ જાહેર કરી છે.ખાસ વાત એ છે કે ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ટીમો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ વખત એકબીજા સામે મેદાનમાં ઉતરશે. આ ઐતિહાસિક પ્રવાસમાં ઝિમ્બાબ્વેની ટીમની કેપ્ટનશિપ જોસેફિન ન્કોમોને સોંપવામાં આવી છે.

વેસ્ટ ઇન્ડિઝ સામે રમેલી ટીમને જાળવી રાખી

ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે ભારત પ્રવાસ માટે અગાઉ વેસ્ટ ઇન્ડિઝ સામે રમેલી ટીમને જાળવી રાખવાનો નિર્ણય લીધો છે.સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં વેસ્ટ ઇન્ડિઝ સામે વનડે અને T20 શ્રેણી રમનારી ટીમના મોટાભાગના ખેલાડીઓને ફરી તક આપવામાં આવી છે.જોસેફિન ન્કોમોના નેતૃત્વમાં ઝિમ્બાબ્વેની મહિલા ટીમ ભારત સામે સારો દેખાવ કરવા ઉતરશે. ટીમમાં બેલવ્ડ બિઝા અને કેલિસ ન્ધલોવુ સહિતના ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.ઝિમ્બાબ્વેની મહિલા ટીમે તાજેતરમાં હરારેમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી વનડેમાં 4 વિકેટે જીત મેળવી હતી. આ જીત સાથે ટીમે ICC મહિલા ચેમ્પિયનશિપમાં પોતાની પ્રથમ જીત નોંધાવી હતી. હવે ભારત સામેની શ્રેણી ઝિમ્બાબ્વે માટે પોતાની ક્ષમતા સાબિત કરવાની મોટી તક બની રહેશે.

https://x.com/ZimCricketv/status/2108600231671497051?s=20


ભારત પ્રવાસનું સંપૂર્ણ સમયપત્રક

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની શ્રેણીમાં કુલ 6 મેચ રમાશે. પ્રથમ 3 મેચ T20 ફોર્મેટમાં રમાશે, ત્યારબાદ 3 મેચની વનડે શ્રેણી યોજાશે

T20 શ્રેણી

  • 16 ઑક્ટોબર – પ્રથમ T20, રાયપુર
  • 18 ઑક્ટોબર – બીજી T20, રાયપુર
  • 20 ઑક્ટોબર – ત્રીજી T20, રાયપુર

વનડે શ્રેણી

  • 23 ઑક્ટોબર – પ્રથમ વનડે, વડોદરા
  • 25 ઑક્ટોબર – બીજી વનડે, વડોદરા
  • 28 ઑક્ટોબર – ત્રીજી વનડે, વડોદરા
સ્મૃતિ મંધાનાના નેતૃત્વમાં રમશે ભારતીય ટીમ

ઝિમ્બાબ્વે સામેની આ શ્રેણી ભારતીય મહિલા ટીમ માટે પણ મહત્ત્વપૂર્ણ રહેશે. અહેવાલ મુજબ, સ્મૃતિ મંધાના ટીમનું નેતૃત્વ કરશે અને નિયમિત કેપ્ટન તરીકે પોતાની પ્રથમ શ્રેણી રમશે. બીજી તરફ, પૂર્વ કેપ્ટન હરમનપ્રીત કૌરને પણ T20 અને વનડે બંને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તે આ શ્રેણીમાં ખેલાડી તરીકે રમતી જોવા મળશે.સ્મૃતિ મંધાના માટે આ શ્રેણી પોતાની કેપ્ટનશિપ સાબિત કરવાની તક બની શકે છે. ભારતીય ટીમ ઘરઆંગણે રમવાનો લાભ લઈને બંને ફોર્મેટમાં સારો દેખાવ કરવા ઇચ્છશે.ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ટીમો વચ્ચે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મુકાબલો યોજાવાનો હોવાથી ક્રિકેટપ્રેમીઓમાં પણ ઉત્સુકતા જોવા મળશે. હવે બંને ટીમોના ખેલાડીઓ મેદાન પર કેવું પ્રદર્શન કરે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો - IPL 2027 પહેલા CSKને મોટો ઝટકો, 8 વર્ષ બાદ આ દિગ્ગજે છોડ્યો સાથ