અમદાવાદમાં નશાના કાળા કારોબાર સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. અમદાવાદ શહેરમાં કુરિયર મારફતે એમડી ડ્રગ્સ સપ્લાય કરવાના હાઈપ્રોફાઈલ રેકેટમાં ક્રાઈમ બ્રાન્ચને એક બહુ મોટી સફળતા હાથ લાગી છે. પકડાયેલા આરોપીના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં ડ્રગ્સના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે, અને લાખો રૂપિયાનું ડ્રગ્સ રિકવર કરવામાં આવ્યું છે.
રિમાન્ડ દરમિયાન વધુ 329 ગ્રામ ડ્રગ્સ મળ્યું
પોલીસ ધરપકડ બાદ આરોપી આસુરામ ઉર્ફે અશોકકુમાર ભાદુના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની આકરી પૂછપરછ કરવામાં આવતા તેણે ડ્રગ્સનો અન્ય જથ્થો છુપાવ્યો હોવાની કબૂલાત કરી હતી. આરોપીની નિશાનદેહી પર તપાસ કરતા પોલીસને વધુ 329.550 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે. અગાઉ પકડાયેલા જથ્થા સાથે હવે કુલ જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સનો આંકડો 701.10 ગ્રામ પર પહોંચ્યો છે.
ઓઢવના ભાડાના મકાનમાંથી ઓપરેશન
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી આસુરામ ઓઢવ વિસ્તારમાં એક ભાડાનું મકાન રાખીને આ આખું નેટવર્ક ચલાવતો હતો. આ મકાન પર રેડ દરમિયાન પોલીસને ડ્રગ્સના જથ્થા ઉપરાંત રૂ. 35,000 ની રોકડ રકમ પણ મળી આવી છે. આ સિવાય ડ્રગ્સની હેરાફેરી અને છૂટક વેચાણ માટે ઉપયોગમાં લેવાતા ડિજિટલ વજન કાંટા, નાની-મોટી ઝિપર બેગ અને પેકિંગ માટેની અન્ય સામગ્રી પણ પોલીસે ઘટના સ્થળેથી જપ્ત કરી છે.
બજાર કિંમત રૂ. 70 લાખથી વધુ
આ સમગ્ર મામલે ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યુની વાત કરીએ તો, જપ્ત કરવામાં આવેલા કુલ 701.10 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સની બજાર કિંમત અંદાજે રૂ. 70.11 લાખ જેટલી થવા જાય છે. ડ્રગ્સ, રોકડ અને પેકિંગ સામગ્રી મળીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુલ રૂ. 70.46 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
કુરિયર નેટવર્કની તપાસ તેજ
આરોપી આસુરામ ઉર્ફે અશોકકુમાર ભાદુ કુરિયર સર્વિસનો ઉપયોગ કરીને આ ડ્રગ્સ ક્યાંથી મંગાવતો હતો અને અમદાવાદમાં તે કોને-કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં હવે તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે. કુરિયર નેટવર્ક મારફતે ચાલતા આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ વધુ તેજ કરી દીધી છે. આગામી દિવસોમાં આ કેસમાં અન્ય મોટા માથાઓના નામ સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
આ પણ વાંચો - Ahmedabad News: બોપલ પોલીસના PSI સહિત બે લોકો 5 લાખની લાંચ લેતા ઝડપાયા