અમદાવાદ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા એક અત્યંત ચોંકાવનારા અને દેશવ્યાપી સાયબર પિંક-કોલર ક્રાઈમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. SMCની ટીમે નિકોલ વિસ્તારમાં રેડ કરીને હાઈટેક ઓનલાઈન ક્રિકેટ સટ્ટા અને સાયબર ફ્રોડના મસમોટા નેટવર્કને ઝડપી લીધું છે.
પોલીસે ઘટના સ્થળેથી રૂપિયા 15.73 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં સામેલ મુખ્ય સૂત્રધાર વિજય કરડાણી સહિત 10 સાયબર ઠગોની રંગેહાથ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ આખા નેટવર્કમાં સંડોવાયેલા કુલ 47 આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
2,188થી વધુ બેંક એકાઉન્ટ્સ અને 324 કરોડનું ટ્રાન્ઝેક્શન
SMCની આ રેડ બાદ થયેલી પ્રાથમિક તપાસમાં જે વિગતો સામે આવી છે, તેણે ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ ચોંકાવી દીધા છે. આરોપીઓ પાસેથી દેશ-વિદેશ સુધી ફેલાયેલા કુલ 2,188 થી વધુ શંકાસ્પદ મ્યુલ એકાઉન્ટની વિગતો મળી આવી છે. આ તમામ એકાઉન્ટ્સ ડમી નામો પર ખોલાવીને કરોડો રૂપિયાની હેરફેર માટે વપરાતા હતા.
પોલીસની કડક ભલામણ બાદ તેમાંથી 354 જેટલા બેંક એકાઉન્ટ્સ દેશના વિવિધ રાજ્યોમાં તાત્કાલિક અસરથી ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ એકાઉન્ટ્સ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 324.58 કરોડથી વધુની સાયબર છેતરપિંડી અને સટ્ટાખોરીના નાણાંની ટ્રેલ સામે આવી છે.
NCCRP પોર્ટલ પર 542 ફરિયાદો લોગ, દેશ-વિદેશમાં જોડાયેલા છે તાર
પકડાયેલા આ સાયબર માફિયાઓ માત્ર ક્રિકેટ સટ્ટો જ નહોતા રમાડતા, પરંતુ લોકો સાથે ઓનલાઈન ઠગાઈ પણ કરતા હતા. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા માલૂમ પડ્યું છે કે, જપ્ત કરાયેલા એકાઉન્ટ્સ સામે દેશભરમાંથી 542 જેટલી સાયબર ફ્રોડની ઓફિશિયલ ફરિયાદો પહેલેથી જ નોંધાયેલી છે.
SMCના મતે આ નેટવર્કના તાર દુબઈ સહિતના વિદેશી દેશો સુધી જોડાયેલા હોવાની આશંકા છે. હાલ પોલીસ અને સાયબર એક્સપર્ટ્સની ટીમો દ્વારા આ મ્યુલ એકાઉન્ટ્સના નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં આગામી દિવસોમાં અનેક મોટા માથાઓના નામ ખૂલવાની પૂરેપૂરી શક્યતા છે.
આ પણ વાંચો - વાંચો 22 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે