એક તરફ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ CISFના અત્યાધુનિક હેડક્વાર્ટરનું ખાતમુહૂર્ત કરશે, તો બીજી તરફ ગુવાહાટીમાં વિશ્વપ્રસિદ્ધ અંબુબાચી મેળાનો પ્રારંભ થશે. ગુજરાતની વાત કરીએ તો, પ્રવાસીઓ માટે ગીરમાં સિંહ દર્શન કરવાનો છેલ્લો દિવસ છે, જ્યારે સાવરકુંડલામાં પૂજ્ય મોરારીબાપુના હસ્તે એક સેવાયજ્ઞનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ સાથે જ ચોમાસાની નવી આગાહી અને ઇતિહાસના રોચક કિસ્સાઓથી ભરેલો છે. જાણો 22 જૂનના તમામ મુખ્ય સમાચાર અને ઇતિહાસ વિગતવાર.
BRICS દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક
નવી દિલ્હી ખાતે 22 અને 23 જૂન દરમિયાન હાઈ-પ્રોફાઈલ 'BRICS NSA' બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં 11 સભ્ય દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદનો સામનો કરવા અને બિન-પરંપરાગત સુરક્ષા પડકારો સામે વ્યૂહાત્મક પ્લાનિંગ તૈયાર કરવામાં આવશે.
ટેલિગ્રામ પરના અસ્થાયી પ્રતિબંધનો અંતિમ દિવસ
NEET UG પરીક્ષાના વિવાદો અને પેપર લીકની આશંકાઓને પગલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ પર લાદવામાં આવેલા અસ્થાયી પ્રતિબંધનો 22 જૂનના રોજ છેલ્લો દિવસ છે. ભારતમાં 10 કરોડથી વધુ યુઝર્સ ધરાવતી આ એપ પરથી પ્રતિબંધ હટશે કે કોઈ નવો વળાંક આવશે તેના પર સૌની નજર છે.
Also Read
ચોમાસા અંગે હવામાન વિભાગની મોટી આગાહી
ભારતીય હવામાન વિભાગ 22 જૂનના રોજ ચોમાસાની પ્રગતિ અંગે નવો અહેવાલ જાહેર કરશે. દેશના પશ્ચિમ ભાગમાં 8 જૂનથી અટકેલું ચોમાસું 15 દિવસના લાંબા વિરામ બાદ, એટલે કે 23 જૂનથી ફરી આગળ વધે તેવી સંભાવના છે. પશ્ચિમ કિનારાના વિસ્તારો, મહારાષ્ટ્ર અને બિહારમાં ચોમાસાના આગમનની તૈયારીઓ વચ્ચે સેન્ટ્રલ ઇન્ડિયામાં હીટવેવની ચેતવણી પણ આપવામાં આવી છે.
CISFના નવા હેડક્વાર્ટરનું ખાતમુહૂર્ત કરશે અમિત શાહ
દેશની આંતરિક સુરક્ષાને વધુ મજબૂત કરવાના ભાગરૂપે નવી દિલ્હીમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સના નવા અત્યાધુનિક હેડક્વાર્ટર ભવનનું ખાતમુહૂર્ત 22 જૂનના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. આ નવું મુખ્ય મથક તમામ આધુનિક સુવિધાઓ અને અદ્યતન કમાન્ડ કંટ્રોલ સિસ્ટમથી સજ્જ હશે.
ગુવાહાટીમાં વિશ્વપ્રસિદ્ધ અંબુબાચી મેળાનો પ્રારંભ
પૂર્વ ભારતના સૌથી મોટા અને આધ્યાત્મિક ઉત્સવોમાંના એક એવા 'અંબુબાચી મહાયોગ'નો 22 જૂનના રોજથી આસામના ગુવાહાટીમાં આવેલા ઐતિહાસિક મા કામાખ્યા મંદિર ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. દેવીના વાર્ષિક માસિક ધર્મના પ્રતીક રૂપે મંદિરના દ્વાર બંધ થતાં જ દેશભરમાંથી લાખો ભક્તો અને સાધુ-સંતો અહીં ઉમટી પડ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો કૂનો નેશનલ પાર્કની મુલાકાત અને સંવાદ
મધ્યપ્રદેશ અને ઓડિશાના પ્રવાસે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રવાસનો 22 જૂનના રોજ અંતિમ દિવસ છે. 22 જૂનના રોજ તેઓ કૂનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેશે અને ત્યાં સહરિયા જનજાતિના સભ્યો, ચિત્તા ટ્રેકર્સ, ટૂરિસ્ટ ગાઇડ્સ અને કૂનો ફીલ્ડ ટીમ સાથે સીધો સંવાદ કરશે.
મહારાષ્ટ્ર રાજકારણ: ઉદ્ધવ ઠાકરેએ બોલાવી ધારાસભ્યોની બેઠક
22 જૂનના રોજ મહારાષ્ટ્ર વિધાનમંડળનું ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, જે 10 જુલાઈ સુધી ચાલશે. આ સત્ર પૂર્વે શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુંબઈના 'શિવાલે' ખાતે પોતાની પાર્ટીના તમામ ધારાસભ્યોની એક મહત્વની બેઠક બોલાવી છે, જેમાં સત્રની વ્યુહરચના અને પાર્ટીની એકજૂથતા અંગે ચર્ચા થશે.
પંજાબ પ્રવાસે ભાજપ અધ્યક્ષ નીતિન નવીન
બીજેપી અધ્યક્ષ નીતિન નવીનના પંજાબના 3 દિવસીય પ્રવાસનો 22 જૂનના રોજ છેલ્લો દિવસ છે. આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે તેઓ આજે રાજ્યના સાંસદો, પૂર્વ સાંસદો, ધારાસભ્યો અને યુવા પ્રતિનિધિઓ સાથે સંગઠનાત્મક બેઠકો અને સંવાદ કરશે.
પશ્ચિમ બંગાળમાં પ્રથમ ભાજપ સરકારનું બજેટ
પશ્ચિમ બંગાળના ઈતિહાસમાં પ્રથમ વખત બનેલી ભાજપ સરકાર પોતાનું પ્રથમ બજેટ 22 જૂનના રોજ રજૂ કરવા જઈ રહી છે. રાજ્યના નાણામંત્રી ડૉ. સ્વપન દાસગુપ્તા આજે વિધાનસભા ગૃહમાં આ ઐતિહાસિક બજેટ રજૂ કરશે.
ગુજરાત સ્ટેટ 'સ્વાગત' કાર્યક્રમ યોજાશે
નાગરિકોની ફરિયાદોના નિવારણ માટેનો રાજ્ય કક્ષાનો ઓનલાઈન 'સ્વાગત' કાર્યક્રમ 22 જૂનના રોજ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-2 ખાતે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાતે ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે. આગામી 23 થી 25 જૂન દરમિયાન રાજ્યવ્યાપી 'શાળા પ્રવેશોત્સવ' યોજાવાનો હોવાથી સમગ્ર સરકારી તંત્ર તેમાં વ્યસ્ત રહેશે, જેને કારણે સ્વાગત કાર્યક્રમ 22 જૂનના રોજ જ યોજી દેવાનો નિર્ણય કરાયો છે.
ગીર જંગલમાં સિંહ દર્શન માટેનો અંતિમ દિવસ
વન વિભાગ દ્વારા સામાન્ય રીતે દર વર્ષે 15 જૂનથી વન્યજીવોના સંવર્ધન કાળ માટે સિંહ દર્શન બંધ કરાતું હોય છે, પરંતુ આ વર્ષે પ્રવાસીઓ માટે તે 1 અઠવાડિયું લંબાવવામાં આવ્યું હતું. 22 જૂનના રોજ સિંહ દર્શન માટેનો છેલ્લો દિવસ છે. 23 જૂનથી આગામી 4 મહિના સુધી પ્રવાસીઓ માટે ગીર જંગલમાં પ્રવેશબંધી રહેશે.
સાવરકુંડલાના માનવ મંદિરમાં મોરારીબાપુના હસ્તે કન્યા છાત્રાલયનું લોકાર્પણ
સાવરકુંડલા નજીક હાથસણી રોડ પર આવેલા મનોરોગી આશ્રમ 'માનવ મંદિર' ખાતે 22 જૂનના રોજ બપોરે 4:00 કલાકે પૂજ્ય સંત શ્રી મોરારીબાપુના હસ્તે કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરાશે. આ આશ્રમમાં છેલ્લા 13 વર્ષથી સંત ભક્તિબાપુ દ્વારા નિરાધાર અને મનોરોગી મહિલાઓને નવજીવન આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારના મંદિરોના પૂજારીઓની દીકરીઓને વિનામૂલ્યે અભ્યાસ કરાવવાના હેતુથી આ છાત્રાલય શરૂ કરાયું છે. કાર્યક્રમમાં શેરનાથ બાપુ, મુક્તાનંદ બાપુ સહિત 25 થી વધુ મહામંડલેશ્વરો હાજર રહેશે. અત્યાર સુધીમાં 137 મનોરોગી બહેનો સાજી થઈને સમાજમાં પુનઃ સ્થાપિત થઈ છે.
ખાતર માટેની ઓનલાઈન એપ્લિકેશન સામે ખેડૂતોનો વિરોધ
સરકાર દ્વારા ગુજરાતના માત્ર નવસારી અને સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો માટે ખાતર ખરીદવા ઓનલાઇન એપ્લિકેશન શરૂ કરાઈ છે. ચોમાસાની વાવણીના સમયે જ ઓનલાઈન નોંધણીમાં ભારે હાલાકી પડતી હોવાથી કિસાન સંઘ અને ખેડૂતોમાં ભારે રોષ છે. આ ઓનલાઈન પદ્ધતિ તાત્કાલિક બંધ કરી અગાઉની જેમ જ માત્ર 'આધારકાર્ડ'થી ખાતર આપવાની માંગ સાથે 22 જૂનના રોજ ખેડૂતો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપશે.
ખેડૂતોની બાજરી ન ખરીદાતા પાલનપુરમાં કલેક્ટરને રજૂઆત
બનાસકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે બાજરીની ખરીદી ચાલી રહી છે, ત્યારે લાખણી તાલુકાના ખેડૂતોનો આક્ષેપ છે કે ખરીદી કેન્દ્ર પર નાની-મોટી ભૂલો કાઢીને તેમની બાજરી ખરીદવાનો ઇન્કાર કરાયો છે. આ મુદ્દે મોટી સંખ્યામાં એકત્રિત થઈને ખેડૂતો 22 જૂનના રોજ જિલ્લા કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે આવેદનપત્ર પાઠવશે.
પાટણમાં કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને કોંગ્રેસનું આવેદનપત્ર
મધ્યપ્રદેશથી કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું નામાંકન ચૂંટણી પંચ દ્વારા રદ કરાતા વિવાદ સર્જાયો છે. આ બંધારણીય નિર્ણય સામે ચિંતા વ્યક્ત કરી ચૂંટણી પંચના વિરોધમાં પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન દ્વારા 22 જૂનના રોજ પાટણ કલેક્ટર મારફતે દેશના રાષ્ટ્રપતિને આવેદનપત્ર મોકલવામાં આવશે.
AMC મેયર અને અધિકારીઓનું સરકારી આવાસોનું નિરીક્ષણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર સહિતના ઉચ્ચ અધિકારીઓ 22 જૂનના રોજ રામાપીરના ટેકરા અને વાસણા બ્રિજ સહિતના વિસ્તારોમાં આવેલા સરકારી આવાસોની રૂબરૂ મુલાકાત લેશે. શહેરમાં ખરાબ રોડ-રસ્તાના મુદ્દે કોન્ટ્રાક્ટરોની કામગીરી ચકાસવા માટે પણ વિઝીટ કરવામાં આવશે.
મહેસાણાની કડી કોર્ટમાં નવા એડિશનલ જજ જીતેન્દ્ર પ્રજાપતિ કાર્યરત થશે
ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહેસાણા જિલ્લાના કડી ખાતે નવી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને મંજૂરી આપવામાં આવી છે. આ નવી કોર્ટ 22 જૂન, 2026 થી વિધિવત રીતે કાર્યરત થશે અને એડિશનલ જજ તરીકે જીતેન્દ્ર પ્રજાપતિ કાર્યભાર સંભાળશે. આ નિર્ણયથી કડી, બેચરાજી અને જોટાણા તાલુકાના પક્ષકારોને સ્થાનિક સ્તરે મોટી રાહત મળશે.
ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓમાં 'વિશ્વ રેઈનફોરેસ્ટ ડે'ની ઉજવણી
22 જૂનના રોજ વિશ્વ વર્ષા વન દિવસ નિમિત્તે ગુજરાતની વિવિધ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પર્યાવરણ જાગૃતિ અને ક્લાયમેટ ચેન્જ સામે લડવાના ભાગરૂપે ગ્રીન ઇનિશિયેટિવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે.
22 જૂનના રોજની ઐતિહાસિક ઘટનાઓ
- 1555: મુઘલ સમ્રાટ હુમાયુ અને બૈરમ ખાને સરહિંદના યુદ્ધમાં સિકંદર શાહ સૂરીના અફઘાન દળોને નિર્ણાયક રીતે હરાવ્યા, જેનાથી દિલ્હી પર મુઘલ સામ્રાજ્યની પુનઃ સ્થાપના થઈ.
- 1633: કેથોલિક ચર્ચે ઇટાલિયન વૈજ્ઞાનિક ગેલિલિયોને તેમનો સૂર્યકેન્દ્રીય (Heliocentric) સિદ્ધાંત બદલવા મજબૂર કર્યા, જેમાં તેમણે કહ્યું હતું કે, પૃથ્વી નહીં પણ સૂર્ય બ્રહ્માંડના કેન્દ્રમાં છે.
- 1897: ક્રાંતિકારી ચાપેકર બંધુઓ (દામોદર અને બાલકૃષ્ણ) એ પુણેના બ્રિટિશ પ્લેગ કમિશનર ડબલ્યુ. સી. રેન્ડની હત્યા કરી. બ્રિટિશ અત્યાચારો સામે સશસ્ત્ર ક્રાંતિનો આ મોટો ફ્લેશપોઇન્ટ હતો.
- 1939/1940: નેતાજી સુભાષચંદ્ર બોઝે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની અંદર ક્રાંતિકારી તત્વોને એકત્ર કરવા માટે ઔપચારિક રીતે "ઓલ ઇન્ડિયા ફોરવર્ડબ્લોક" ની સ્થાપના કરી.
- 1941: નાઝી જર્મનીએ સોવિયત યુનિયન પર મોટા પાયે આક્રમણ કર્યું (ઓપરેશન બાર્બરોસા), જે બીજા વિશ્વ યુદ્ધનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો.
- 1945: અમેરિકાએ ઓકિનાવા ટાપુ પર કબજો મેળવતા બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાન સામેની ઓકિનાવાની ભીષણ લડાઈ સત્તાવાર રીતે સમાપ્ત થઈ.
- 1986: આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ ડિએગો મેરાડોનાએ ફીફા વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે પોતાનો પ્રખ્યાત 'હેન્ડ ઓફ ગોડ' ગોલ કર્યો હતો, જેમાં બોલ તેમના હાથને અડીને ગોલ પોસ્ટમાં ગયો હતો.
22 જૂનના રોજ જન્મેલી મહાન હસ્તીઓ
- 1949 - મેરિલ સ્ટ્રીપ: હોલીવુડની વિવેચકો દ્વારા પ્રશંસનીય અને રેકોર્ડબ્રેક 3 વખત એકેડેમી એવોર્ડ (ઓસ્કાર) જીતનાર મહાન અમેરિકન અભિનેત્રી.
- 1950 - ટોમ અલ્ટર: પદ્મશ્રી વિજેતા અને અમેરિકન મૂળના જાણીતા ભારતીય અભિનેતા, જેઓ હિન્દી અને ઉર્દૂ ભાષા પર અદ્ભુત પકડ અને બોલિવૂડ તેમજ થિયેટરમાં શાનદાર અભિનય માટે જાણીતા હતા.
- 1953 - સિન્ડી લોપર: પ્રખ્યાત અમેરિકન પોપ સિંગર, જેમનું ગીત "Girls Just Want to Have Fun" વૈશ્વિક સ્તરે હિટ રહ્યું હતું.
- 1964 - ડેન બ્રાઉન: વિશ્વપ્રસિદ્ધ રહસ્યમય નવલકથા 'ધ દા વિન્ચી કોડ' (The Da Vinci Code) ના લેખક અને બેસ્ટ સેલિંગ અમેરિકન થ્રિલર ઓથર.
- 1974 - થલપથી વિજય: ચેન્નાઈમાં જન્મેલા સાઉથ ઇન્ડિયન સિનેમાના સુપરસ્ટાર જોસેફ વિજય 'Mersal', 'Master' અને 'Leo' જેવી સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ હાલમાં તેઓ હાલ તામિલનાડુના મુખ્યમંત્રી છે.
- 1991 - નેત્રી ત્રિવેદી: અમદાવાદમાં જન્મેલી અગ્રણી ગુજરાતી અભિનેત્રી અને મોડેલ. અર્બન કલ્ટ ક્લાસિક ફિલ્મ 'છેલ્લો દિવસ' માં તેમના શાનદાર અભિનયથી તેઓ લોકપ્રિય બન્યા હતા.
- 1997 - ભવિન ભાનુશાલી: ડિજિટલ ક્રિએટર, સિંગર અને યુવા અભિનેતા. તેઓ અજય દેવગનની ફિલ્મ 'De De Pyaar De' અને લોકપ્રિય યુથ રિયાલિટી શોમાં જોવા મળ્યા છે.
22 જૂનના રોજ વિશ્વમાં ઉજવાતા મહત્વના દિવસો
- National Kissing Day: યુકેથી શરૂ થયેલો આ દિવસ પરસ્પર સ્નેહ વ્યક્ત કરવા માટે ઉજવાય છે.
- Anti-Fascist Struggle Day: ક્રોએશિયામાં રાષ્ટ્રીય જાહેર રજા, જે 1941 માં ધરી દેશોના આક્રમણ સામે થયેલા બળવાની યાદમાં ઉજવાય છે.
- National Onion Ring Day: અમેરિકાનો લોકપ્રિય ફૂડ ડે.
- National HVAC Tech Day: ઘરો અને ઓફિસોમાં એસી અને હીટિંગ સિસ્ટમ સરખી રાખતા ટેકનિશિયનોના કામને બિરદાવવાનો દિવસ.
આ પણ વાંચો - 21 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર













