નવનિર્મિત અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે પર એક અત્યંત ભયાનક અકસ્માત સર્જાયો છે. ધોળકા નજીક આવેલા કરિયાણા ગામ પાસે મુસાફરોથી ભરેલી એક લક્ઝરી બસના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું. બેકાબૂ બનેલી આ લક્ઝરી બસ હાઈવે પરથી સીધી રોડની સાઈડમાં નીચે ખાબકી ગઈ હતી. બસ ખાબકતાની સાથે જ અંદર બેઠેલા મુસાફરોમાં ભારે ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી.


એકનું મોત, 15થી વધુ લોકો લોહીલુહાણ

આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો. પ્રાથમિક અહેવાલો મુજબ, આ ભયાનક દુર્ઘટનામાં અંદાજે એક મુસાફરનું મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે 15 થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતાં જ આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બસની બારીઓ તેમજ કાચ તોડીને ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી.

108 અને પોલીસ કાફલો ઘટના સ્થળે

ઘટના અંગે તાત્કાલિક જાણ કરાતા જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની અનેક ગાડીઓ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ ગમખ્વાર અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી બસ ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા વધુ તપાસ શરૂ કરી છે. આ કરુણ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકની લાગણી વ્યાપી ગઈ છે.


આ પણ વાંચો - Ahmedabad News: ધંધુકામાં રખડતા ઢોરને કારણે અકસ્માત, બાઈકચાલકે ગુમાવ્યો જીવ



  • Follow us on: