અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નશાના કારોબારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સની હેરાફેરીના એક અત્યંત ચોંકાવનારા અને હાઈટેક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અત્યાર સુધી પેડલરો કે ખાનગી વાહનો મારફતે થતી ડ્રગ્સની હેરાફેરી હવે કુરિયર સર્વિસ સુધી પહોંચી ગઈ છે. આરોપીઓ કુરિયર સેવાનો દુરૂપયોગ કરીને રાજસ્થાનથી મેફેડ્રોન ડ્રગ્સ મંગાવતા હતા અને અમદાવાદને સેન્ટર પોઈન્ટ બનાવીને અહીંથી બેંગલુરુ સહિત દેશના અન્ય રાજ્યોમાં ડ્રગ્સ સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે.
એસ.પી. રિંગ રોડ પરથી અશોક બિશ્નોઈ ઝડપાયો, કુરિયર ઓફિસે રેડ
ડ્રગ્સના આ દૂષણને ડામવા માટે પેટ્રોલીંગમાં રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમને વસ્ત્રાલ એસ.પી. રિંગ રોડ પાસે એક મોટી સફળતા મળી હતી. પોલીસે બાતમીના આધારે રિંગ રોડ પરના એક ખુલ્લા મેદાનમાંથી મૂળ રાજસ્થાનના આસુરામ ઉર્ફે અશોક કુમાર ભાદુને 20.570 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે દબોચી લીધો હતો. પોલીસની આગવી ઢબે પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે, તેણે મોટી માત્રામાં ડ્રગ્સના બે પાર્સલ મારૂતિ કુરિયર મારફતે બેંગલુરુ મોકલવા માટે બુક કરાવ્યા છે. આ કબૂલાત બાદ ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક બાપુનગર સ્થિત કુરિયર ઓફિસમાં દરોડો પાડીને બંને પાર્સલ ખોલાવતા તેમાંથી વધુ 350.98 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.













