અમદાવાદ શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના લીરેલીરા ઉડાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા રિલીફ રોડ પર પથ્થરકૂવા નજીક ધોળા દિવસે એક યુવકની જાહેરમાં નિર્મમ હત્યા કરવામાં આવી છે. બે અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવેલા આ લોહિયાળ ખેલને પગલે ભર બજારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો છે.


જાહેરમાં છરીના ઘા ઝીંકી આરોપીઓ ફરાર

ઘટનાની મળતી પ્રાથમિક વિગતો અનુસાર, પથ્થરકૂવા પાસે બે યુવકો અને મૃતક વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વધી ગયો કે, બંને હુમલાખોરોએ ઉશ્કેરાઈને યુવક પર તીક્ષ્ણ છરી વડે ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં યુવક રસ્તા પર જ ઢળી પડ્યો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાની આ વારદાતને અંજામ આપ્યા બાદ બંને આરોપીઓ હવામાં હથિયાર લહેરાવતા ત્યાંથી નાસી છૂટ્યા હતા.

મૃતક હાટકેશ્વરનો હોવાનું તારણ, કારંજ પોલીસ એક્શનમાં

ઘટનાની જાણ થતાં જ સ્થાનીક લોકો અને વેપારીઓ એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. કારંજ પોલીસ સ્ટેશનનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક અમદાવાદના હાટકેશ્વર વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જૂની અદાવત કે તાત્કાલિક ઝઘડામાં આ હત્યા થઈ છે તે જાણવા માટે પોલીસે આસપાસની દુકાનોના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.


આ પણ વાંચો - Ahmedabad News: Re-NEET પરીક્ષા દરમિયાન હિજાબ અને દોરા-ધાગા મામલે કેન્દ્ર સંચાલકે કર્યો મોટો ખુલાસો


  • Follow us on: