મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં 35 વર્ષીય રાજેન્દ્રને તેના મિત્રએ રસગુલ્લો હોવાનું કહીને કથિત રીતે સુઅરમાર બોમ્બ ખાવા માટે આપ્યો હતો. રાજેન્દ્રએ તેને મીઠાઈ સમજીને મોઢામાં મૂક્યો અને ચાવતાં જ જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં તેનું મોત નીપજ્યું છે.

આંગણામાં બેઠા હતા ત્યારે મિત્ર આવ્યો

આ ઘટના મંગળવારની સાંજે પડરિયા છાંટા ગામમાં બની હતી. રાત્રે આશરે 7 વાગ્યે રાજેન્દ્રએ પરિવાર સાથે ભોજન લીધું હતું. ત્યારબાદ તે આંગણામાં આગ પાસે બેઠા હતા. આ દરમિયાન ગામમાં જ રહેતો રામભગત બરૌતિયા ત્યાં આવ્યો અને તેની સાથે બેસી વાતચીત કરવા લાગ્યો હતો.

રસગુલ્લો કહીને બોમ્બ આપ્યાનો આરોપ

વાતચીત દરમિયાન રામભગતે કથિત રીતે રાજેન્દ્રને સુઅરમાર બોમ્બ આપ્યો હતો અને તેને રસગુલ્લો હોવાનું કહ્યું હતું. મીઠાઈ સમજીને રાજેન્દ્રએ તેને મોઢામાં મૂક્યો અને ચાવતાં જ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે રાજેન્દ્રના મોઢા અને જડબાને ગંભીર નુકસાન થયું હતું.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

પરિવારજનો રાજેન્દ્રને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ સારવાર બાદ તેને મૃત જાહેર કર્યો હતો. બુધવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

આરોપી સામે ગુનો નોંધાયો

પોલીસે રામભગત બરૌતિયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમની કલમ 3 અને 4 હેઠળ ગુનો નોંધ્યો છે. બોમ્બ ક્યાંથી આવ્યો અને રાજેન્દ્રને રસગુલ્લો કહીને તે શા માટે આપવામાં આવ્યો હતો, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. ઘટનાને પગલે ગામમાં આશ્ચર્ય અને ચકચાર ફેલાઈ છે.  


આ પણ વાંચો :      PM Modiના અંબાજી પ્રવાસને લઈ ટ્રાફિક ડાયવર્ઝન, 14 નવેમ્બર સુધી નવા રૂટ અમલી