ગુજરાતમાં ઓનલાઈન આર્થિક ગુનાખોરી આચરતા તત્વો સામે ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે અત્યાર સુધીની સૌથી મોટી ઓપરેશનલ કાર્યવાહી કરી છે. રાજ્યમાં નાણાં ગેરકાયદે ટ્રાન્સફર કરવાનું એક મસમોટું આંતરરાજ્ય કૌભાંડ સાયબર ટીમે શોધી કાઢ્યું છે. 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' અંતર્ગત પોલીસ સંસ્થાઓએ માત્ર એક જ મહિનાના ટૂંકા ગાળામાં દેશભરમાંથી કુલ 55 જેટલા શાતિર આરોપીઓની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
ભાવનગર કો-ઓપરેટિવ બેંકનું સર્વર હેક કરી 7.34 કરોડનું ફેક બેલેન્સ ઊભું કરાયું
આ સમગ્ર કૌભાંડના તાર 'ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક' સાથે જોડાયેલા છે. સાયબર ગુનેગારોએ ડિજિટલ સેંધ મારીને બેંકના મેઈન સર્વરને જ હેક કરી લીધું હતું. સર્વર હેક કર્યા બાદ આરોપીઓએ કોઈ પણ વાસ્તવિક ડિપોઝિટ વિના જ સીધું બેંક ખાતામાં 7,34,91,682 રૂપિયાનું બોગસ અને ફેક બેલેન્સ ઊભું કરી દીધું હતું. આ ફેક બેલેન્સના આધારે કરોડો રૂપિયા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવાનું આયોજનબદ્ધ કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
'ચામુંડા કોમ્યુનિકેશન'ના નામે 161 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન
તપાસ દરમિયાન પોલીસને 'ચામુંડા કોમ્યુનિકેશન' નામની એક ડમી પેઢી હાથ લાગી હતી. આ ડમી પેઢીના બેંક ખાતાઓ અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરતા સાયબર સેલના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ એક જ પેઢીના નામે માત્ર થોડા જ સમયમાં 161 કરોડથી વધુના શંકાસ્પદ અને છેતરપિંડીના ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા સમગ્ર દેશમાં આ કૌભાંડ સંબંધિત 1117 જેટલી સાયબર ફ્રોડની અરજીઓ મળી આવી છે, જેમાં કુલ 802 કરોડના ટ્રાન્ઝેક્શનના સ્કેમની કડીઓ જોડાયેલી છે.
અમદાવાદ અને સુરતથી મુખ્ય સૂત્રધારોની ધરપકડ
સાયબર પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ નેટવર્ક ચલાવતા મુખ્ય ચાર સાગરીતોની ધરપકડ કરી છે.
- વિશાલ સુરેશભાઈ ડોડીયા (રહે. વસ્ત્રાલ, અમદાવાદ) - જે બોગસ દસ્તાવેજોના આધારે ફેક પેઢીઓ બનાવતો હતો.
- મોહમ્મદ ખાલીક ગુલામ હુસેન (ઉં.વ. 40, રહે. લિંબાયત, સુરત) - જે ભાવનગર બેંક હેકિંગ કેસમાં મુખ્ય મ્યુલ (ડમી) ખાતાધારક છે.
- સોયબ ગુલાબનબી રાણા (ઉં.વ. 38, રહે. ઉધના, સુરત) - જે આ તમામ કૌભાંડી બેંક ખાતાઓને ઓપરેટ કરતો હતો.
- અફઝલ પીર મોહમ્મદ મન્સૂરી (રહે. ગોમતીપુર, અમદાવાદ) - જે મ્યુલ એકાઉન્ટમાં આવેલા નાણાંને સગેવગે કરવાનું કામ કરતો હતો.
જાણો કેવી હતી ગુનાની મોડસ ઓપરેન્ડી
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, પકડાયેલા આરોપીઓ કોઈ ચોક્કસ ધંધો-રોજગાર કરતા નથી. તેઓ ગરીબ, મધ્યમવર્ગીય કે અજ્ઞાત અજણાયા લોકોની લાચારીનો ફાયદો ઉઠાવીને અથવા તેમના બોગસ આઈડી પ્રૂફ મેળવી ડમી પેઢીઓ રજિસ્ટર કરાવતા હતા. ત્યારબાદ મૂળ ખાતાધારકોને કમિશનની લાલચ આપી તેમના બેંક એકાઉન્ટ અને કીટ પોતે મેળવી લેતા હતા. દેશભરના નાગરિકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરી મેળવેલા નાણાં આ 'મ્યુલ એકાઉન્ટ્સ'માં જમા કરાતા અને ત્યારબાદ તે નાણાં ઉપાડીને સગેવગે કરી દેવાતા હતા. હાલમાં આ સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ આંતરરાષ્ટ્રીય કે આંતરરાજ્ય રેકેટ હોવાની અને તેમાં દેશના અન્ય મોટા માથાઓ સામેલ હોવાની આશંકા સાથે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો - Bhavnagar સહકારી બેંક હેકિંગ કેસ મામલે ‘મ્યુલ હંટ 2.0’ અંતર્ગત વધુ 4 આરોપીઓની ધરપકડ