અમદાવાદ શહેરમાં ફૂટી નીકળેલા ડ્રગ્સ અને નશાના કાળા કારોબારને નાથવા માટે અમદાવાદ શહેર પોલીસ સતત એક્શન મોડમાં છે. તેવામાં અમદાવાદ શહેર એસઓજીની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા રઘુનાથ સોસાયટીના એક મકાનમાં રેડ કરી હતો. આ રેડ દરમિયાન પોલીસે ઘરની અંદરથી 672 ગ્રામ જેટલો અત્યંત કિંમતી હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે.

ઘરમાંથી અંદાજિત 21 લાખ રૂપિયાની રોકડ મળી

રેડ દરમિયાન એસઓજીની કસ્ટડીમાં આવેલા આરોપીનું નામ રાહુલ ગાડે હોવાનું સામે આવ્યું છે. પોલીસે જ્યારે આરોપી રાહુલના ઘરની સઘન તપાસ કરી ત્યારે હાઇબ્રીડ ગાંજાની સાથે ઘરમાંથી રૂ. 20.98 લાખની મોટી રોકડ રકમ પણ મળી આવી હતી. પોલીસે ગાંજો અને તમામ રોકડ રકમ કબ્જે કરીને આરોપી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બન્ની ભાટીયા નામના મુખ્ય સૂત્રધારની શોધખોળ

પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું છે કે, આ હાઇબ્રીડ ગાંજાનું આખું નેટવર્ક બન્ની ભાટીયા નામનો શખ્સ ચલાવી રહ્યો છે. આ મુખ્ય આરોપી કૃષ્ણનગર, સરદારનગર અને આસપાસના વિસ્તારોમાં હાઇબ્રીડ ગાંજાનું વેચાણ અને નેટવર્ક ચલાવતો હતો. હાલમાં આ કેસમાં ફરાર થયેલા મુખ્ય સપ્લાયર બન્ની ભાટીયાને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Ahmedabad News: SOG Seizes Hybrid Ganja and Rs 20.98 Lakh Cash in Krishnanagar

રોકડ રકમ અને ડ્રગ્સ નેટવર્ક અંગે તપાસ તેજ

આરોપીના ઘરેથી મળી આવેલી અંદાજિત રૂ. 21 લાખની રોકડ રકમ ગાંજાના વેચાણમાંથી જ એકઠી કરવામાં આવી હોવાની પોલીસને દ્રઢ શંકા છે. આથી પોલીસે આ નાણાકીય વ્યવહારો અને આવકના સ્ત્રોત અંગે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ડ્રગ્સ અને હાઇબ્રીડ ગાંજાનું આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે, અને તેમાં અન્ય કેવા પેડલરો સામેલ છે તે દિશામાં એસઓજીની અલગ-અલગ ટીમો તપાસ ચલાવી રહી છે.


આ પણ વાંચો - Ahmedabad Airport પર કસ્ટમ્સની કાર્યવાહી, શારજાહથી લાવેલું રૂ.28.87 લાખનું સોનું અને સામાન જપ્ત