સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સ્પાની આડમાં ધમધમતા કૂટણખાના પર પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) એ લાલ આંખ કરી છે. બાતમીના આધારે પોલીસે જહાંગીરપુરામાં આવેલા 'એવન સ્પા' પર ઓચિંતા દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન સ્પા સેન્ટરમાં ચાલતા દેહવ્યાપારના ગોરખધંધાનો પર્દાફાશ થયો હતો. પોલીસ ટીમે સ્થળ પરથી મુખ્ય આરોપી સાહિલ ખાનની અટકાયત કરી લીધી છે. દરોડા દરમિયાન દેહવ્યાપારના દલદલમાં ફસાયેલી 3 ભોગ બનનાર મહિલાઓને સુરક્ષિત રીતે મુક્ત કરાવવામાં આવી હતી અને તેમને આશ્રયસ્થાનમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી.

જહાંગીરપુરામાં પોલીસનું ઓપરેશન

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કાળા કારોબારમાં સાહિલ ખાન ઉપરાંત રુખ સાગર, ફૈઝલ અને સુશીલ નામના અન્ય શખ્સો પણ સંડોવાયેલા છે. હાલમાં પોલીસે આ ત્રણેય આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. સ્પાની આડમાં ચાલતી આવી અનૈતિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે સુરત પોલીસે આગામી સમયમાં પણ સઘન ચેકિંગ અને દરોડા પાડવાની ચીમકી આપી છે. આ મામલે ઈમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને જહાંગીરપુરા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.