સુરતમાં બિલ્ડરના ઘરે કામ કરતો નોકર લાયસન્સ વાળી રિવોલ્વર અને કારતૂસ ચોરી ગયો હોવાની વાત સામે આવી છે, સાથે સાથે નોકર 16 રાઉન્ડ કારતૂસની ચોરી કરી ગયો હોવાની વાત સામે આવી છે, બિલ્ડરે નોકર પ્રવિણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી.


16 કારતૂસ પણ નોકર સાથે લેતો ગયો

વેસુ અલથાણ વિસ્તારમાં રહેતા હિરાના વેપારી અને બિલ્ડર મનુભાઈ ઓથાની લાયસન્સ વાળી સ્મિથ એન્ડ વેસન રિવોલ્વર સાથે ૧૬ કારતુસ ચોરી કરીને નોકર ફરાર થઈ ગયો છે. ૨૦૨૨થી નોકરી કરતા પ્રવિણ નામના યુવકને છૂટો કરતાં જ તેણે ચોરીને અંજામ આપ્યો હતો. રિવોલ્વર જેવી જોખમી જણસ નોકરની પહોંચ સુધી રાખનાર ઉદ્યોગપતિની બેદરકારી તો એ સામે આવી છે કે, તેમણે નોકરની ઓળખના પુરાવા પણ પોતાના પાસે રાખ્યા ન હતા.

નોકર અગાઉ ચોરી કરતા ઝડપાતા તેને છૂટો કર્યો હતો

પોલીસ સુત્રો દ્રારા પ્રાપ્ત વિગત મુજબ અલથાણ વેસુ કેનાલ રોડ સેલેસ્ટ્રીયલ ડ્રીમ એપાર્ટમેન્ટમાં રહેતા હિરા ઉધોગપતિ અને બિલ્ડર મનુભાઈ વિરજીભાઈ માંગુકીયા (મુળ રહે,ઓથા,તા.મહુવા.જિ.ભાવનગર) એ અલથાણ પોલીસ મથકમાં રિવોલ્વરની ચોરી અંગે ફરિયાદ આપી છે. જેમાં જણાવ્યા મુજબ તેઓ અહીં ચારેક વર્ષથી રહે છે અને એ વખતથી જ ઘરકામ માટે અગાઉનો નોકર મહેશ વતન જતાં તેની જગ્યાએ પ્રવિણ નામના યુવકને નોકરી પર રાખ્યો હતો. આધારકાર્ડ કે ઓળખના કોઈપણ પુરાવા મેળવ્યા વિના પ્રવિણ ૨૦૨૨થી અહીં નોકર હતો. ૨૦ ડિસેમ્બરે તે આ બિલ્ડરના ઘરેથી રૂ.૮૦૦૦ ની ચોરી કરતાં પકડાતાં તેને ૨૨મી તારીખે નોકરી પરથી છુટો કર્યો હતો.

અલથાણ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

બિહારના વતની પ્રવિણને નોકરી પરથી છુટો કરવાની સાથે જ તેણે કબાટથી મનુભાઇની સ્મિથ એન્ડ વેસન અમેરિકન કંપનીની રિવોલ્વર અને ૧૬ કારતુસ ચોરી લીધા હતા. રિવોલ્વર અને કારતુસની કિંમત રૂ.૫૦.૬૦૦ આંકવામાં આવી છે. કબાટમાંથી લાયસન્સવાળી રિવોલ્વર ગાયબ જણાયા બાદ આ અંગે મનુભાઈ ઓથાવાળાએ અલથાણ પોલીસ મથકમાં નોકર પ્રવિણ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પીઆઈ ડી ડી ચૌહાણે બનાવની આધારે પ્રવિણને પકડવા એક ટીમ બિહાર રવાના કરી છે.


આ પણ વાંચો : Sarangpur News : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પ્રાકૃતિક શણગારની સાથે 251 કિલો સુખડી-મેસુબ-મોહનથાળ-અડદિયાનો મિક્સ અન્નકૂટ ધરાવાયો



  • Follow us on: