સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર 'લવ જેહાદ'નો અસંસ્કારી કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી એક યુવતીએ મીરાન કાદરી નામના શખ્સ પર લગ્નની ખોટી લાલચ આપીને છેલ્લા 2 વર્ષથી તેની સાથે છેતરપિંડી કરી શોષણ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. પીડિતાનો દાવો છે કે, આરોપીએ તેને પ્રેમના જાળમાં ફસાવીને જીવન બરબાદ કરી નાખ્યું છે.

આરોપી પહેલેથી જ પરિણીત અને બાળકોનો પિતા નીકળ્યો

પીડિતાએ મીડિયા સમક્ષ ચોંકાવનારા ખુલાસા કરતા જણાવ્યું હતું કે, તેને ફસાવનાર મીરાન કાદરી વડોદરાના તાંદલજા વિસ્તારનો રહેવાસી છે, અને તે એરપોર્ટ પર નોકરી કરે છે. બાદમાં પીડિતાને જાણવા મળ્યું હતું કે, આરોપી મીરાન કાદરી પહેલેથી જ પરિણીત છે અને તેને બાળકો પણ છે. પોતાના સંસાર અને બાળકોની વાત છુપાવીને આરોપીએ યુવતી સાથે વિશ્વાસઘાત કર્યો હતો.

ન્યાય માટે 3 દિવસથી 3 પોલીસ સ્ટેશનના ધક્કા

પીડિતાનો ગંભીર આક્ષેપ છે કે, આ મામલે ગુનો નોંધાવવા માટે તે છેલ્લા 3 દિવસથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહી છે, પરંતુ કોઈ તેની ફરિયાદ સાંભળવા તૈયાર નથી. યુવતીએ હરણી, ફતેહગંજ અને મકરપુરા પોલીસ સ્ટેશનમાં જઈને અરજી અને ફરિયાદ નોંધાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. ત્રણેય પોલીસ સ્ટેશન દ્વારા તેને ન્યાય આપવાના બદલે ફરિયાદ ન નોંધાતી હોવાનો આક્ષેપ કરાયો છે.

મકરપુરા પોલીસ સ્ટેશન બહાર પીડિતાની ન્યાયની માગ

પોલીસના ઉદાસીન વલણથી કંટાળીને આખરે યુવતીએ મકરપુરા પોલીસ સ્ટેશનની બહાર પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો અને કડક કાર્યવાહીની માગ કરી હતી. પીડિતાએ જણાવ્યું કે, મારી સાથે ઘણું બધું ખરાબ થયું છે, અને મને ન્યાય જોઈએ છે. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે, અને પોલીસ કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.


આ પણ વાંચો - Vaodara News : હાઇકોર્ટના નવા પરિપત્ર સામે વકીલોનો ઉગ્ર વિરોધ, ડભોઇ કોર્ટ પરિસરમાં પ્રદર્શન