વડોદરાના ડભોઇ ખાતે હાઇકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્રને લઈને વકીલ મંડળમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવા નિયમો સામે વિરોધ નોંધાવવા માટે ડભોઇના વકીલોએ એકત્રિત થઈને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. હાઇકોર્ટના આ નિર્ણાયક ફેરફારોને કારણે વકીલાતની રોજીંદી કામગીરી પર માઠી અસર પડશે તેવો સુર વ્યક્ત કરીને વકીલોએ પોતાના કામકાજથી અળગા રહી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.

A4 સાઇઝ પેપર અને હસ્તલિખિત લખાણ પર પ્રતિબંધનો વિરોધ

વકીલોના વિરોધનું મુખ્ય કારણ હાઇકોર્ટ દ્વારા દાખલ કરવામાં આવેલા નવા ટેકનિકલ અને કાગળના નિયમો છે. નવા પરિપત્ર મુજબ કોર્ટ કામગીરીમાં A4 સાઇઝના પેપરનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે અને સાથે જ વર્ષોથી ચાલતી હસ્તલિખિત (હાથથી લખેલી) અરજીઓ તથા લખાણો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. વકીલોનું કહેવું છે કે, અચાનક લેવાયેલા આ નિર્ણયથી કામકાજમાં ભારે અગવડતા પડશે અને આ વ્યવહારુ નિયમ નથી.

પરિપત્ર રદ ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની ચીમકી

આ વિરોધ પ્રદર્શન અંગે વાત કરતા વકીલ આરીફ મકરાણીએ કડક વલણ અપનાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હાઇકોર્ટનો આ નવો પરિપત્ર વકીલો અને અસીલો બંને માટે મુશ્કેલીઓ ઊભી કરનારો છે. જ્યાં સુધી હાઇકોર્ટ દ્વારા આ નવો પરિપત્ર પરત કે રદ કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેમનું આ આંદોલન સજ્જડ રીતે ચાલુ રહેશે. વકીલ મંડળે તેમની માગણીઓ પૂર્ણ કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ તૈયારી દર્શાવી છે.

આ પણ વાંચો : Ahmedabad News : બાપુનગર પોલીસ કસ્ટડીમાં આધેડનું મોત, પોક્સો કેસની પૂછપરછ દરમિયાન બગડી તબિયત