કેન્દ્રશાસિત પ્રદેશ દીવના સાઉદવાડી-નાગવાડી વિસ્તારમાં ભાવ્યેશ સોલંકીના 4 વર્ષીય પુત્ર અયાંશ તેમજ 7 વર્ષીય પુત્રી કાનિશાનાં અચાનક રહસ્યમય સંજોગોમાં મોત થતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ગમગીની છવાઈ ગઈ છે. આ કરુણ ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બંને માસૂમ બાળકોનાં મોતનું ચોક્કસ કારણ જાણવા માટે સ્થાનિક પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
બાળકોની તબિયત એકાએક નાદુરસ્ત બની
પરિવારજનોના જણાવ્યા અનુસાર, બંને માસૂમ બાળકોની તબિયત એકાએક નાદુરસ્ત બની ગઈ હતી. તેથી પરિવારજનો તાત્કાલિક બંને બાળકોને વણાકબારા ખાતે આવેલા ડૉક્ટર પરેશ પાસે સારવાર માટે લઈ ગયા હતા. ત્યાંથી બંને બાળકોને વધુ સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
બાળકોને તાબડતોબ ઉના હોસ્પિટલ લઈ જવાયાં
જોકે, સ્થિતિ વધુ નાજુક બનતાં બંને બાળકોને તાબડતોબ ઉના હોસ્પિટલ લઈ જવાયાં હતાં. પરંતુ ઉના ખાતે ફરજ પરના તબીબોએ તપાસ કરીને બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા, જેનાથી પરિવારમાં આક્રંદ છવાઈ ગયો.
પોલીસનો કાફલો દોડી આવ્યો
બંને બાળકોના અકાળે અવસાન બાદ પરિવારજનો દ્વારા અંતિમ સંસ્કારની તૈયારી કરવામાં આવી હતી. આજે બંને મૃતક બાળકોની અંતિમયાત્રા જ્યારે વણાકબારા સ્મશાનગૃહ ખાતે પહોંચી ત્યારે દીવ પોલીસનો કાફલો ત્યાં દોડી આવ્યો હતો. સગાં ભાઈ-બહેનનાં એકસાથે થયેલાં આકસ્મિક મોત અંગે ઊભી થયેલી ગંભીર શંકાના આધારે પોલીસે સ્મશાનમાંથી જ બંને મૃતદેહોનો કાયદેસર કબજો મેળવી લીધો હતો. પોલીસે તાત્કાલિક અંતિમવિધિ અટકાવીને બંને બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવાની તજવીજ હાથ ધરી હતી.
બાળકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું
હોસ્પિટલમાં તબીબોની પેનલ દ્વારા બંને માસૂમ બાળકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન મોતના મૂળ કારણ સુધી પહોંચવા જરૂરી વિસેરા અને તબીબી સેમ્પલ એકત્ર કરવામાં આવ્યાં હતાં, જે વધુ ઊંડાણપૂર્વકની તપાસ માટે બહાર લેબોરેટરીમાં મોકલી અપાયાં છે. હાલ બંને બાળકોનાં મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. લેબોરેટરી ટેસ્ટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મોતનું રહસ્ય ખુલશે. દીવ પોલીસે આ મામલે આગળની કાયદેસર કાર્યવાહી તેજ કરી છે.
આ પણ વાંચો : Rajkot : 2 વર્ષની બાળકીનું પડી જવાથી મોત નહીં પણ હત્યા થયાનો ખુલાસો, કોઈએ ધક્કો માર્યાનું તપાસમાં ખુલ્યું