ઉત્તરાખંડના ચર્ચાસ્પદ અંકિતા ભંડારી હત્યાકાંડમાં કથિત ‘વીઆઈપી’ની ભૂમિકાને લઈને ચાલી રહેલી તપાસમાં મહત્વનો વળાંક આવ્યો છે. આ કેસ સાથે જોડાયેલાં ટેલિવિઝન અભિનેત્રી ઉર્મિલા સનાવર શુક્રવારે સીબીઆઈની વિશેષ અદાલતમાં હાજર રહ્યાં હતાં. સુનાવણી દરમિયાન તેમનો નાર્કો એનાલિસિસ અને પોલીગ્રાફ ટેસ્ટ ગુજરાતના ગાંધીનગરમાં કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બંને ટેસ્ટ માટે ઉર્મિલાની સંમતિ

ઉર્મિલા સનાવરના વકીલે મીડિયાને જણાવ્યું કે ઉર્મિલાએ અદાલત સમક્ષ નાર્કો અને પોલીગ્રાફ બંને ટેસ્ટ માટે સત્તાવાર સંમતિ આપી છે. આ દરમિયાન તેમનાં નિવેદનો પણ નોંધવામાં આવ્યાં છે. જોકે, ટેસ્ટની ચોક્કસ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં મેડિકલ તપાસ

વકીલના જણાવ્યા અનુસાર, નવેમ્બરના ત્રીજા સપ્તાહ સુધીમાં ઉર્મિલાની જરૂરી તબીબી તપાસ કરાવવાની શક્યતા છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટની તારીખ નક્કી કરવામાં આવશે.

અગાઉ ધરપકડને કારણે હાજરી રહી હતી મુલતવી

ઉર્મિલાને અગાઉ 26 ઓક્ટોબરે અદાલતમાં હાજર થવાનું હતું, પરંતુ તેના એક દિવસ પહેલાં ઉત્તર પ્રદેશના સહારનપુર સ્થિત નિવાસસ્થાનેથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. હરિદ્વારમાં નોંધાયેલા ખંડણીના અન્ય એક કેસમાં આ કાર્યવાહી થઈ હતી. જોકે, ગયા સપ્તાહે સ્થાનિક અદાલતે તેમને જામીન આપતાં શુક્રવારે સીબીઆઈ અદાલતમાં હાજર થઈ શક્યાં હતાં.

2022માં થઈ હતી અંકિતાની હત્યા

18 સપ્ટેમ્બર 2022ના રોજ ઋષિકેશ નજીક આવેલા વનંતરા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી 19 વર્ષીય અંકિતા ભંડારીની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં રિસોર્ટના માલિક પુલકિત આર્ય અને તેના બે કર્મચારીઓ સૌરભ ભાસ્કર તથા અંકિત ગુપ્તાને દોષિત ઠેરવી અદાલત આજીવન કેદની સજા ફટકારી ચૂકી છે.

વાયરલ ઓડિયો બાદ ફરી ચર્ચામાં આવ્યો કેસ

ગયા વર્ષે ડિસેમ્બરમાં સોશિયલ મીડિયા પર કેટલાક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ આ કેસ ફરી ચર્ચામાં આવ્યો હતો. આ વાતચીત હરિદ્વારના જ્વાલાપુરના પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોર અને પોતાને તેમની પત્ની ગણાવતી ઉર્મિલા સનાવર વચ્ચેની હોવાનું કહેવાયું હતું. ઓડિયોમાં હત્યાકાંડ દરમિયાન એક ‘વીઆઈપી’ની સંડોવણી અને તેના નામનો ઉલ્લેખ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

પૂર્વ ધારાસભ્યનો પણ થશે ટેસ્ટ

અંકિતાના માતા-પિતાની માંગ અને વિવિધ રાજકીય-સામાજિક સંગઠનોના દબાણ બાદ મુખ્યમંત્રીએ આ વર્ષે જાન્યુઆરીમાં સમગ્ર કેસની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. ભાજપમાંથી હાંકી કઢાયેલા પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોરનો પણ નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ થવાનો છે. તેઓ અગાઉ જ અદાલત સમક્ષ આ પરીક્ષણો માટે સંમતિ આપી ચૂક્યા છે.  



આ પણ વાંચો  :    Love Affair : 3 બાળકોની માતાને 13 વર્ષ નાના યુવક સાથે થયો પ્રેમ, પતિએ કહ્યું- બાળકોને મારી પાસે છોડીને જવું હોય તો જા..