ઓનલાઇન ગેમિંગમાં બોનસ, આકર્ષક ઓફર અથવા રોકાણ પર વધુ વળતરની લાલચ આપીને લોકો સાથે થતી સાયબર છેતરપિંડી અંગે ઉત્તર પ્રદેશના બરેલીનાં એડિશનલ એસપી (સાઉથ) આઈપીએસ અંશિકા વર્માએ લોકોને ચેતવણી આપી છે. બરેલી પોલીસે કથિત સાયબર ફ્રોડ નેટવર્ક સાથે સંકળાયેલા 6 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં 60 બેંક ખાતાઓની વિગતો મળી છે, જ્યારે 5 મુખ્ય ખાતાઓમાં 25 કરોડથી વધુના વ્યવહારો ટ્રેસ કરવામાં આવ્યા છે.
ગેમિંગ ઓફરથી ક્રિપ્ટોકરન્સી સુધી ફેલાયેલું નેટવર્ક
પ્રાથમિક તપાસ મુજબ, આ નેટવર્ક ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ, ક્રિપ્ટોકરન્સી ખાસ કરીને યુએસડીટી અને વિવિધ બેંકિંગ વ્યવહારોની અનેક કડીઓનો ઉપયોગ કરતું હતું. સાયબર ઠગો પહેલાં લોકોને ગેમિંગ બોનસ, આકર્ષક ઓફર અથવા રોકાણ પર વધુ નફાની લાલચ આપે છે. ત્યારબાદ અલગ-અલગ બેંક ખાતાં અને ડિજિટલ માધ્યમો દ્વારા નાણાંની હેરફેર કરવામાં આવે છે, જેથી છેતરપિંડીના નાણાંનો મૂળ સ્ત્રોત છુપાવી શકાય.
11 નવેમ્બરે સાયબર સુરક્ષા અંગે લાઇવ કાર્યક્રમ
આઈપીએસ અંશિકા વર્મા 11 નવેમ્બર 2026ના રોજ સાંજે 4 વાગ્યે 'સાયબર સેફ લાઇવ' કાર્યક્રમમાં નાગરિકોને જાગૃત કરશે. આ કાર્યક્રમમાં સાયબર ગુનેગારોની કાર્યપદ્ધતિ, છેતરપિંડીનાં સંકેતો અને તેનાથી બચવાના ઉપાયો અંગે સમજાવવામાં આવશે.
ઠગાઈ થાય તો તરત 1930 પર સંપર્ક કરો
સાયબર સુરક્ષા એજન્સીઓએ લોકોને અજાણી લિંક, શંકાસ્પદ ગેમિંગ ઓફર, ખોટી રોકાણ યોજના અને ઝડપથી નફો આપવાના દાવાથી સાવચેત રહેવા અપીલ કરી છે. જો કોઈ વ્યક્તિ સાયબર છેતરપિંડીનો ભોગ બને તો તાત્કાલિક રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવો અથવા સત્તાવાર વેબસાઇટ cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવી જોઈએ.
કોણ છે આઈપીએસ અંશિકા વર્મા?
અંશિકા વર્મા ઉત્તર પ્રદેશ કેડરની 2021 બેચનાં આઈપીએસ અધિકારી છે. તેમનો જન્મ 3 જાન્યુઆરી 1996ના રોજ પ્રયાગરાજમાં થયો હતો. તેમણે સંઘ લોક સેવા આયોગની 2020ની સિવિલ સેવા પરીક્ષામાં સમગ્ર ભારતમાં 136મો ક્રમ મેળવ્યો હતો. ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશનમાં બી.ટેક.ની ડિગ્રી ધરાવતાં અંશિકા વર્માને બીજા પ્રયાસમાં સફળતા મળી હતી.
પતિ કે.કે. બિશ્નોઈ પણ આઈપીએસ અધિકારી
તેમના પતિ કે.કે. બિશ્નોઈ પણ આઈપીએસ અધિકારી છે. બંનેનાં લગ્ન 29 માર્ચ 2026ના રોજ થયાં હતાં. અંશિકા વર્મા હાલમાં બરેલીમાં એડિશનલ એસપી (સાઉથ) તરીકે ફરજ બજાવે છે, જ્યારે કે.કે. બિશ્નોઈ બિજનૌરના પોલીસ અધિક્ષક છે.
આ પણ વાંચો : Ayodhya Deepotsav 2026 Live : અયોધ્યામાં દીપોત્સવ શરૂ, સીએમ યોગીએ કહ્યું - રામ ભક્તો પર ગોળી ચલાવનારાઓ અહીં જરુર આવે