મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોતની અત્યંત હચમચાવી દેતી ઘટના સામે આવી છે. છોલા પોલીસ સ્ટેશન વિસ્તારના માલીખેડીમાં એક મકાનમાંથી ચાર લોકોના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યા હતા, જ્યારે પરિવારના મોભીનો મૃતદેહ સૂખી સેવનિયા વિસ્તારમાં રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. સામૂહિક હત્યા અને આપઘાતની આ આશંકાથી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી.

લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યા 

પોલીસ તપાસમાં સામે આવેલી પ્રાથમિક વિગતો અનુસાર, મૃતકોની ઓળખ 35 વર્ષીય નરેન્દ્ર સાહૂ, તેમની 50 વર્ષીય માતા સરસ્વતી સાહૂ, 29 વર્ષીય પત્ની સોમલતા સાહૂ, 10 વર્ષની પુત્રી કૃતિ સાહૂ અને 6 વર્ષના પુત્ર ખુશ સાહૂ તરીકે થઈ છે. છોલા પોલીસ મથક હેઠળ આવતા માલીખેડી સ્થિત મકાનમાં નરેન્દ્રની માતા, પત્ની અને બંને માસૂમ બાળકોના લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યા હતા, જેને જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

ગળું રહેંસી હત્યા કરવામાં આવી

પ્રાથમિક તપાસમાં ચારેય વ્યક્તિઓ પર ધારદાર હથિયાર વડે હુમલો કરીને ગળું રહેંસી હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બંધ ઘરમાંથી એકસાથે ચાર સ્વજનોના મૃતદેહો મળી આવતા સમગ્ર સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

પરિવારના મુખ્ય સભ્યનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવ્યો

આ ભયાનક હત્યાકાંડ બાદ પરિવારના મુખ્ય સભ્ય નરેન્દ્ર સાહૂનો મૃતદેહ સૂખી સેવનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ચોપરા કલાં ખાતે રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક આશંકા મુજબ, નરેન્દ્ર સાહૂએ પહેલા પોતાના ઘરમાં માતા, પત્ની અને બંને બાળકોની ઘાતકી હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ પોતે ચોપરા કલાં પહોંચી ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. 

પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી

ઘટનાની જાણકારી મળતાની સાથે જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બંને ઘટનાસ્થળોનું નિરીક્ષણ હાથ ધરીને કાયદેસરની તપાસ શરૂ કરી હતી.

પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ

હાલના તબક્કે આટલી મોટી અને દર્દનાક ઘટના પાછળનું ચોક્કસ કારણ શું હતું તે સત્તાવાર રીતે સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસ દ્વારા પારિવારિક પરિસ્થિતિઓ, આપસી વિવાદ તેમજ અન્ય તમામ સંભવિત કારણો સહિતના પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ ખૂબ જ ગંભીરતાથી કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા બંને ઘટનાસ્થળેથી જરૂરી પુરાવાઓ એકત્રિત કરવાની પ્રક્રિયા પણ સઘન રીતે હાથ ધરવામાં આવી છે. મૃતદેહોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ અને વિગતવાર તપાસ પછી જ આ તમામ મોતના સંજોગો અંગેની સાચી પરિસ્થિતિ સ્પષ્ટ થઈ શકશે. 


આ પણ વાંચો :  PM Modi : પીએમ મોદીનું સંબોધન: ‘દિમાગી નક્સલ’ના ખતરાથી એલર્ટ રહેવાની જરૂર