આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં આવેલા રાપ્તાડુ ગામની જિલ્લા પરિષદ હાઈસ્કૂલના એક ક્લાસરૂમમાં શનિવારે સવારે અત્યંત ભયાનક ઘટના સામે આવી હતી. શાળામાં અભ્યાસ ચાલુ હતો તે સમયે એક યુવક હાથમાં આરી લઈને અચાનક અંદર ઘૂસી ગયો હતો. તેણે દસમા ધોરણમાં અભ્યાસ કરતી પંદર વર્ષની વિદ્યાર્થિની પર આરી વડે સીધો જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ઘાતકી હુમલાના પગલે શાળાના સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ભારે દહેશત સાથે નાસભાગ મચી જવા પામી હતી. પ્રાથમિક માહિતી મુજબ યુવતીએ પ્રપોઝલ ઠુકરાવતા ઉશ્કેરાયેલા યુવકે જીવલેણ હુમલો કર્યો હતો

યુવક આરી લઈને શાળામાં પ્રવેશ્યો

રાપ્તાડુની જિલ્લા પરિષદ હાઈસ્કૂલમાં શનિવારે સવારે 10:30 વાગ્યે અત્યંત ચકચારી ઘટના બની હતી. શાળાના ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલી રહ્યો હતો. આ દરમિયાન યુવક આરી લઈને શાળામાં પ્રવેશ્યો હતો. આરોપીની ઓળખ ધર્માવરમ નગરના રહેવાસી 21 વર્ષીય હેમંત ઉર્ફે ડુમ્મુ તરીકે થઈ છે. 

સીધો યુવતી પર હુમલો કર્યો

તે દસમા ધોરણના ક્લાસરૂમમાં ધસી આવ્યો હતો. ક્લાસરૂમમાં અય્યાવરીપલ્લી ગામની રહેવાસી 15 વર્ષીય વિદ્યાર્થિની અભ્યાસ કરી રહી હતી. આરોપી હેમંતે કોઈ કારણ આપ્યા વિના સીધો યુવતી પર હુમલો કર્યો હતો. તેણે આરી વડે વિદ્યાર્થિની પર જીવલેણ ઘા કર્યા હતા.

વર્ગખંડમાં શિક્ષક પણ હાજર હતા

આ લોહિયાળ ઘટના બની ત્યારે વર્ગખંડમાં શિક્ષક પણ હાજર હતા. ચાલુ ક્લાસ વચ્ચે બનેલા હુમલાથી સમગ્ર વર્ગખંડમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. શાળામાં કડક સુરક્ષા હોવા છતાં યુવક ક્લાસરૂમમાં કેવી રીતે પહોંચ્યો તે મોટો પ્રશ્ન છે.

યુવતીની ગરદન અને ચહેરા પર ગંભીર ઈજાઓ પહોંચી

આ ઘાતકી હુમલામાં યુવતીની ગરદન અને ચહેરા પર ગંભીર ઈજાઓ પહોંચી છે. હુમલા વખતે ગોપિકા સાથે બેઠેલી તેની સહપાઠી વિદ્યાર્થિની પણ ઘાયલ થઈ હતી. હુમલા દરમિયાન તેની ક્લાસમેટના પગના ભાગે પણ ગંભીર ઈજા થઈ હતી. બંને વિદ્યાર્થિનીઓ લોહીલુહાણ થઈને ક્લાસરૂમમાં નીચે ઢળી પડી હતી.

હેમંત ઘટનાસ્થળેથી તાત્કાલિક ફરાર

હુમલો કર્યા બાદ આરોપી હેમંત ઘટનાસ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયો હતો. ક્લાસરૂમમાં લોહી જોઈને અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર શાળા સંકુલમાં અચાનક ભારે અફરાતફરી સર્જાઈ ગઈ હતી. શાળાના સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં આ હુમલાથી ઊંડી દહેશત વ્યાપી હતી. શાળા સ્ટાફે બંને વિદ્યાર્થિનીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી હતી.

યુવતીની સ્થિતિ અત્યંત નાજુક

બંને વિદ્યાર્થિનીઓને અનંતપુરની સરકારી જનરલ હોસ્પિટલ (GGH) ખાતે દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં બંનેની તાબડતોબ સારવાર શરૂ કરી દેવામાં આવી છે. સીએમઓ કાર્યાલયના સૂત્રો મુજબ યુવતીની શારીરિક સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ છે. અનંતપુરની સરકારી હોસ્પિટલમાં હાલમાં તેના પર એક મહત્વની સર્જરી ચાલી રહી છે. તેને વધુ સારવાર માટે એર એમ્બ્યુલન્સ મારફતે બેંગલુરુ લઈ જવાની તૈયારી છે. 

હેમંતને પકડવા માટે સઘન શોધખોળ 

બીજી તરફ સ્થાનિક પોલીસે આ ચકચારી મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસની ટીમો ફરાર આરોપી હેમંતને પકડવા માટે સઘન શોધખોળ ચલાવી રહી છે. હુમલા પાછળ રહેલા ચોક્કસ કારણને જાણવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ થઈ રહી છે. 


આ પણ વાંચો  :   Mumbai : ગુટખા અને એલચીની જાહેરાત મામલામાં FDAની નોટિસ સામે અજય દેવગન બોમ્બે હાઈકોર્ટના શરણે