દિલ્હીના જૌહરીપુર વિસ્તારમાં શુક્રવારે ફાયરિંગની સનસનીખેજ ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ 32 વર્ષીય નીરજ નામના યુવકે તેના પિતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી 48 વર્ષીય પાડોશી મહિલા રાજવતી પર ગોળી ચલાવી હતી. ગોળી મહિલાના જમણા પગમાં વાગતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

માટલું માંગવા ફોન કર્યો અને અચાનક ફાયરિંગ!

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ સવારે આશરે 7:15 વાગ્યે નીરજે રાજવતીને ફોન કરીને માટીનું માટલું માંગ્યું હતું. રાજવતીના પરિવારનો ગોકલપુરી વિસ્તારમાં માટીના વાસણોનો વ્યવસાય છે. આ વાતચીત દરમિયાન જ નીરજે કથિત રીતે રાજવતી પર ફાયરિંગ કરી દીધું હતું. મહિલાના જણાવ્યા પ્રમાણે તેને જમણા પગમાં ગોળી વાગી હતી.

પોતાના ઘરમાં જ બંધ થયો, પછી આવ્યો ગોળીનો અવાજ

ફાયરિંગ બાદ નીરજ પોતાના ઘરની પહેલી માળે આવેલા રૂમમાં ગયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે તેણે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. થોડા સમય બાદ અંદરથી ફરી ગોળી ચાલવાનો અવાજ સંભળાયો. પરિવારના સભ્યો રૂમ પાસે પહોંચ્યા ત્યારે દરવાજો બંધ હતો, જેને તોડીને અંદર પ્રવેશ કરવામાં આવ્યો.

લોહીલુહાણ હાલતમાં મળ્યો, રિવોલ્વર પણ મળી

રૂમની અંદર નીરજ ગંભીર હાલતમાં પડેલો મળી આવ્યો હતો અને તેની નજીક રિવોલ્વર પણ મળી આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ ગોળી વાગવાથી તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે GTB હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે.

પાડોશી હોવા છતાં પરિવારને નહોતી વધુ ઓળખાણ

રાજવતીના પતિએ જણાવ્યું કે નીરજ તેમનો પાડોશી હતો, પરંતુ પરિવાર સાથે તેની ખાસ ઓળખાણ નહોતી. તેમના જણાવ્યા મુજબ નીરજે આશરે 4થી 5 રાઉન્ડ ફાયર કર્યા હતા. ઘટનાની જાણ થતાં ફોરેન્સિક ટીમ પણ સ્થળ પર પહોંચી અને જરૂરી પુરાવા એકત્ર કર્યા.

ફાયરિંગ પાછળનું કારણ હજુ રહસ્ય

ગોકલપુરી પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 109(1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં પહેલા રાજવતી પર ફાયરિંગ અને ત્યારબાદ નીરજના મોતની કડી સામે આવી છે, પરંતુ આખરે તેણે પાડોશી મહિલા પર ગોળી શા માટે ચલાવી તેનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ ઘટનાના તમામ પાસાંની તપાસ કરી રહી છે.  


આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : મકાન માલિક હવે 3 મહિનાનું ભાડુ એડવાન્સ લઇ શકશે, જાણો, તમારા મનમાં છે તે બધા સવાલોના જવાબ