ગુજરાતમાં મકાન ભાડે આપનાર માલિકો અને ભાડે રહેતા લોકો માટે ગુજરાત સરકાર નવો કાયદો લાવી છે. ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬’ સર્વાનુમતે પસાર થયું છે. જૂના મુંબઈ ભાડા અધિનિયમ-૧૯૪૭ના સ્થાને રાજ્યની વર્તમાન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નવું કાનૂની માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આવો સમજીએ કે નવા કાયદામાં શું બદલાશે અને માલિક-ભાડૂઆત માટે તેનો શું અર્થ છે.

1. લેખિત ભાડા કરાર હવે ફરજિયાત

રહેણાંક હોય કે કોમર્શિયલ મિલકત, ભાડે આપતી વખતે લેખિત ભાડા કરાર કરવો જરૂરી રહેશે. કરારની વિગતો રેન્ટ ઓથોરિટીને આપવાની રહેશે. આ વ્યવસ્થાથી મૌખિક કરારને કારણે થતા વિવાદો ઘટાડવાનો પ્રયાસ કરાયો છે.

Gujarat Rent Bill 2026: 10 Key Changes for Tenants and Landlords

2. ડિજિટલ કરાર અને યુનિક ID

ભાડા વ્યવસ્થાને ડિજિટલ બનાવવામાં આવશે. રેન્ટ ઓથોરિટી ત્રણ મહિનામાં ગુજરાતીમાં ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરશે. દરેક ભાડા કરારને યુનિક આઈડેન્ટિફિકેશન નંબર આપવામાં આવશે અને તેની વિગતો વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. એટલે માલિક અને ભાડૂઆત બંને પાસે કરારનો ડિજિટલ રેકોર્ડ રહેશે.

3. સિક્યોરિટી ડિપોઝિટ પર મર્યાદા

ભાડૂઆત પાસેથી ત્રણ મહિનાના ભાડાથી વધુ સિક્યોરિટી ડિપોઝિટ લઈ શકાશે નહીં. મિલકત ખાલી કર્યા બાદ હિસાબ પૂર્ણ કરીને એક મહિનાની અંદર ડિપોઝિટ પરત કરવાની જોગવાઈ છે. આ જોગવાઈ ભાડૂઆતો માટે મહત્વની રાહત બની શકે છે.

4. વિવાદોના ઝડપી ઉકેલ માટે ત્રણ સ્તરની વ્યવસ્થા

ભાડાને લગતા વિવાદો માટે રેન્ટ ઓથોરિટી, રેન્ટ કોર્ટ અને રેન્ટ ટ્રિબ્યુનલ એમ ત્રણ સ્તરની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. તેનો મુખ્ય હેતુ લાંબા સમય સુધી ચાલતા ભાડા સંબંધિત કાનૂની વિવાદોનો ઝડપી નિકાલ કરવાનો છે.

Gujarat Rent Bill 2026: 10 Key Changes for Tenants and Landlords

5. પાણી-વીજળી જેવી સેવાઓ બંધ નહીં કરી શકાય

મકાન માલિક ભાડૂઆતની વીજળી, પાણી, ગેસ જેવી જીવનજરૂરી સેવાઓ મનસ્વી રીતે બંધ કરી શકશે નહીં. જો આવું કરવામાં આવે તો રેન્ટ ઓથોરિટી સેવા પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપી શકશે.

6. ભાડૂઆતને ક્યારે મિલકત ખાલી કરવી પડી શકે?

કલમ 21 હેઠળ મકાન માલિકના હકોનું પણ રક્ષણ કરવામાં આવ્યું છે. ભાડૂઆત સતત ભાડું ચૂકવતો ન હોય, મિલકતને નુકસાન કરતો હોય અથવા માલિકની મંજૂરી વિના પેટા-ભાડે આપતો હોય તો માલિક રેન્ટ કોર્ટ મારફતે મિલકત ખાલી કરાવી શકે છે.

Gujarat Rent Bill 2026: 10 Key Changes for Tenants and Landlords

7. કુદરતી આપત્તિમાં ભાડૂઆતને રાહત

પૂર, ભૂકંપ કે ચક્રવાત જેવી કુદરતી આપત્તિમાં મિલકત રહેવા યોગ્ય ન રહે તો ભાડૂઆતને ભાડામાંથી રાહત મળી શકે છે અથવા કરાર લંબાવવાની વાજબી તક મળી શકે છે.

8. પ્રોપર્ટી મેનેજરને કાનૂની માન્યતા

કલમ 18 હેઠળ માલિક પોતાની મિલકતના સંચાલન માટે પ્રોપર્ટી મેનેજર રાખી શકશે. તેની ભૂમિકા અને જવાબદારીઓને કાયદાકીય માળખામાં સ્થાન આપવામાં આવ્યું છે.

9. કેટલીક મિલકતો કાયદાની બહાર

કલમ 3 હેઠળ સરકારી પરિસરો, કર્મચારીઓ માટેના સર્વિસ ક્વાર્ટર્સ, ધાર્મિક-સખાવતી સંસ્થાઓ, વક્ફ બોર્ડ અને પબ્લિક ટ્રસ્ટની કેટલીક મિલકતોને કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે. જોકે, બંને પક્ષોની સંમતિ હોય તો તેઓ કાયદા હેઠળ આવી શકે છે.

Gujarat Rent Bill 2026: 10 Key Changes for Tenants and Landlords

10. આખરે કોને કેટલો ફાયદો?

નવા કાયદાનો મુખ્ય હેતુ માત્ર ભાડૂઆતનું રક્ષણ કરવાનો નથી. એક તરફ ડિપોઝિટની મર્યાદા અને આવશ્યક સેવાઓનું રક્ષણ ભાડૂઆતોને રાહત આપે છે, તો બીજી તરફ ભાડું ન ચૂકવનાર કે મિલકતને નુકસાન કરનાર ભાડૂઆત સામે માલિકને કાનૂની રસ્તો મળે છે.

માલિક અને ભાડૂઆત બંનેના હિતો વચ્ચે સંતુલન

‘ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬’થી ભાડા વ્યવસ્થામાં લેખિત કરાર, ડિજિટલ રેકોર્ડ, યુનિક ID અને ઝડપી ન્યાયિક પ્રક્રિયા જેવા ફેરફારો આવવાના છે. સરકારના જણાવ્યા મુજબ આ કાયદાનો ઉદ્દેશ માલિક અને ભાડૂઆત બંનેના હિતો વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનો છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ રહેશે કે આ નવી વ્યવસ્થાનો જમીની સ્તરે કેટલો અસરકારક અમલ થાય છે.  


આ પણ વાંચો :   LPG Cylinder Booking Rules : ગામડાના ગ્રાહકો માટે મોટા સમાચાર, હવે 45 નહીં માત્ર 25 દિવસમાં બુક થશે ગેસ સિલિન્ડર