LPG સિલિન્ડરનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે ઘરેલુ LPG સિલિન્ડરની બુકિંગને લઈને શહેર અને ગામડાના ગ્રાહકો વચ્ચેનો તફાવત દૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારોના ગ્રાહકોને ગેસ સિલીન્ડર બુક કરવા માટે અગાઉની સરખામણીએ ઓછો સમય રાહ જોવી પડશે.

ગામડામાં 45 દિવસનો નિયમ બદલાયો

અગાઉ ગ્રામ્ય વિસ્તારોના ગ્રાહકોને નવો LPG સિલિન્ડર રિફિલ બુક કરવા માટે 45 દિવસ સુધી રાહ જોવી પડતી હતી. હવે આ સમયગાળો ઘટાડીને માત્ર 25 દિવસ કરવામાં આવ્યો છે. એટલે હવે ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકો પણ 25 દિવસના અંતરે આગામી LPG સિલિન્ડરનું રિફિલ બુક કરાવી શકશે.

શહેર અને ગામડાના ગ્રાહકો માટે હવે એક જ નિયમ

નવા નિયમ હેઠળ હવે દેશભરના ઘરેલુ LPG ગ્રાહકો માટે બુકિંગનો સમયગાળો એકસરખો રહેશે. શહેરમાં રહેતા હોય કે ગામડામાં, તમામ ઘરેલુ ગ્રાહકો હવે 25 દિવસના અંતરે પોતાનો આગામી LPG સિલિન્ડર બુક કરાવી શકશે.

નવા નિયમના તાત્કાલિક અમલના નિર્દેશ

પેટ્રોલિયમ રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા ઓઇલ માર્કેટિંગ કંપનીઓને નવા નિયમનો તાત્કાલિક અમલ કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના લાખો LPG ગ્રાહકોને મોટી રાહત મળવાની શક્યતા છે. હવે રિફિલ માટે 45 દિવસ સુધી રાહ જોવાની જરૂર નહીં રહે.

ગ્રાહકોને કેવી રીતે મળશે સીધો ફાયદો?

નવા નિયમ બાદ LPG સિલિન્ડર ખતમ થવાની સ્થિતિમાં ગ્રામ્ય ગ્રાહકોને લાંબા સમય સુધી રાહ જોવી નહીં પડે. શહેર અને ગામડાના ગ્રાહકો માટે સમાન બુકિંગ અંતરાલ લાગુ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં LPG રિફિલ મેળવવાની સુવિધા વધુ સરળ બનશે.  


આ પણ વાંચો   :    Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?