શનિવારે સવારે ગ્રેટર નોઇડાના રબૂપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક જ પરિવારના પાંચ સભ્યો શંકાસ્પદ સંજોગોમાં મૃત મળ્યા છે. રાત્રે મેળો જોવા ગયેલા પરિવારે પરત આવી નૂડલ્સ ખાધા બાદ તમામનાં મોત થયાં હતાં. આ રહસ્યમય કેસમાં પરિવારને ઝેર અપાયું હોવાની આશંકા છે, જેમાં પતિ-પત્ની અને તેમનાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.

મહેશની માતા પર શંકા દર્શાવાઈ 

મૃતકોમાં 37 વર્ષીય મહેશ, પત્ની લલિતા 35, પુત્ર લડ્ડુ 11, પુત્રી મિષ્ટી 7 અને પુત્રી સાક્ષાત 3 સામેલ છે. પરિવારમાં મહેશ, પત્ની અને બાળકો ઉપરાંત માતા ચંદ્રવતી રહેતી હતી. આ રહસ્યમય મોતના મામલે મહેશની માતા પર શંકા દર્શાવાઈ રહી છે. 

ભાભી નીરજ આવતાં કેસમાં નવો વળાંક આવ્યો

બુલંદશહેરના ખુર્જાથી મહેશની ભાભી નીરજ આવતાં કેસમાં નવો વળાંક આવ્યો. નીરજના જણાવ્યા મુજબ તેના પતિનું અગાઉ જ અવસાન થયું હતું. નીરજને અગાઉ ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવી હતી. મહેશ હંમેશાં કહેતો કે સમય પસાર થતાં સૌ સાથે રહીશું. નીરજના મતે તેના દિયર અને દેરાણી સારા લોકો હતા. 

સાસુ મિલકત દીકરીઓને વહેંચતી હોવાનો આક્ષેપ

સાસુ ચંદ્રવતી મિલકત દીકરીઓને વહેંચતી હોવાનો નીરજે આક્ષેપ કર્યો હતો. સાસુએ દિલ્હીનું મકાન મોટી અને રબૂપુરાનું નાની દીકરીને આપ્યું હતું. સાસુ પરિવારના લોકોને ક્યારેય સાથે રહેવા દેતી નહોતી. આટલી મોટી ઘટના છતાં બંને દીકરીઓમાંથી કોઈ ત્યાં આવ્યું નહીં. આ આખી ઘટના સાસુ ચંદ્રવતીએ જ કરી હોવાનો નીરજનો દાવો છે. નીરજે આ કેસમાં કઠોરથી કઠોર સજાની માગણી કરી છે.

જમીન વહેંચણી અંગે વિવાદ ચાલતો હતો

પરિવારમાં લાંબા સમયથી જમીન વહેંચણી અંગે વિવાદ ચાલતો હતો. આ વિવાદના કારણે પરિવારના તમામ લોકો સતત પરેશાન રહેતા હતા. ખાદ્ય વિભાગની પ્રાથમિક તપાસમાં ફૂડ પોઇઝનિંગની આશંકા દર્શાવાઈ છે. ફૂડ પોઇઝનિંગમાં ઊલટી-ઝાડા જેવાં લક્ષણોથી કલાકોમાં તબિયત બગડી શકે છે. અધિકારીઓના મતે પાંચેય મોતમાં ફૂડ પોઇઝનિંગની શક્યતા નકારી શકાય નહીં. જોકે આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસ હાલ તમામ દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતના સાચા કારણો સ્પષ્ટ થશે. 


આ પણ વાંચો  :  Vadodara : ગરબાના પાસની મોટી રામાયણ...સતત ફોનથી કંટાળ્યા નગરસેવકો...આખરે કહી દીધું પાસ માટે ફોન કે મેસેજ ના કરો..