વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રિની ધૂમધામ ચાલી રહી છે. ક્યાંક માતાજીની આરતી થઈ રહી છે, ક્યાંક ઢોલના તાલે ખેલૈયાઓ ઝૂમી રહ્યા છે, તો ક્યાંક ગરબાના પાસ મેળવવા માટે મોબાઈલની ઘંટડીઓ સતત વાગી રહી છે. નવરાત્રિમાં માતાજીની ભક્તિનો રંગ તો જામ્યો જ છે, પરંતુ કેટલાક વગદાર લોકો માટે આ દિવસોમાં એક અલગ જ નવરાત્રિ શરૂ થઈ જાય છે...તે છે...પાસ આપવાની ઝંઝટ
ગરબા મેદાનો કે પાર્ટી પ્લોટના પાસ ધરાવતા લોકો પરેશાન
વર્ષોથી ચાલતી આવતી આ પરંપરામાં મોટા ગરબા મેદાનો કે પાર્ટી પ્લોટના પાસ ધરાવતા લોકો નવ દિવસ સુધી જાણે અઘોષિત પાસ વિતરણ કેન્દ્ર બની જાય છે. ઓળખીતાઓના ફોન, મિત્રોના મેસેજ અને સગાંવહાલાંની ભલામણો વચ્ચે પાસ ધરાવનાર વ્યક્તિની પોતાની નવરાત્રિ ક્યાંક ફોનની રિંગટોનમાં જ પૂરી થઈ જાય છે!
વડોદરામાં પાસની મોટી પરેશાની
વડોદરાના ગરબા પ્રખ્યાત છે અને શહેરીજનો પણ મન મૂકીને નવરાત્રિ માણે છે. શહેરમાં ઘણા મોટા ગરબા મેદાનોમાં ગરબાના આયોજનો થાય છે. જેના પાસે માટે લોકો પોતાના ઓળખીતા વગદાર લોકોને નવરાત્રિમાં અચૂક યાદ કરતા હોય છે. રાજકારણીઓ, અધિકારીઓ, પોલીસ તથા પત્રકારો માટે દરેક નવરાત્રિ પાસની ઝંઝટમાં જ પુરી થતી હોય છે. તેમના ઓળખીતા હંમેશા આગ્રહ રાખતા હોય છે કે અમને ગરબાના પાસ આપો.
https://www.instagram.com/reel/DemJK3one0l/?utm_source=ig_web_button_share_sheet
વડોદરાના નગર સેવકો કંટાળ્યા
વડોદરાના વોર્ડ નંબર 3ના ભાજપના નગરસેવકો પંકજ તડવી અને ઉર્વશી પંચાલ માટે પણ આ વખતે ગરબાના પાસ માથાનો દુખાવો બની ગયા છે. આખરે બંનને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકોને સ્પષ્ટ અપીલ કરવી પડી કે પાસ માટે ફોન કે સંદેશા ન કરો. તેઓ કહે છે કે નગરસેવક બન્યા પછી નળ, ગટર અને રસ્તાની સમસ્યાઓ ઉકેલવાની જવાબદારી સાથે ગરબાના પાસની જવાબદારી પણ પદની સાથે મફતમાં મળે છે કે શું?
પાસની માંગ એવી કે જાણે સરકારી યોજનાનું ફોર્મ ભરાવવાનું હોય
પંકજ તડવીએ જણાવ્યું કે છેલ્લા 10 દિવસથી લોકો સતત ફોન અને મેસેજ કરીને મોટા ગરબાના પાસ માગી રહ્યા છે. કોઈ એક-બે ગરબાના પાસ માગે તો સમજી શકાય, પરંતુ અહીં તો જાણે જથ્થાબંધ પાસની માંગ ઊઠી રહી છે. નગરસેવકની સ્થિતિ એવી થઈ છે કે ફોન ઉપાડે તો પાસની માગણી અને ફોન ન ઉપાડે તો ઓળખાણમાં નારાજગી! આખરે તેમણે પણ કહી દીધું કે અમારી પાસે જ પાસ નથી, તો આપીએ ક્યાંથી? તેમણે સોશિયલ મીડિયામાં પણ આ મામલે પોસ્ટ કરીને બળાપો કાઢ્યો છે

કોર્પોરેટરોને સતત ફોન અને વોટ્સએપ મેસેજ
પંકજ તડવીએ સોશિયલ મીડિયામાં લખ્યું છે કે ગરબાના પાસ માટે કોર્પોરેટરોને સતત ફોન અને વોટ્સએપ મેસેજ કરવામાં આવે છે પણ આ વર્ષે ગરબા આયોજકો દ્વારા કોર્પોરેટરોને પાસ જ આપવામાં આવ્યા નથી તો કોર્પોરેટરો પાસ ક્યાંથી આપે..તેમણે લખ્યું છે કે કોર્પોરેટરો જનસેવા માટે હંમેશા નાગરિકોની સાથે ઉભા રહે છે પણ દરેક બાબતમાં તેમની પાસે અપેક્ષા રાખવી અને જે સુવિધા તેમને પોતાને જ ઉપલબ્ધ ના હોય તે પુરી પાડવાની અપેક્ષા રાખવી યોગ્ય નથી તો પરિસ્થિતી સમજીને સહકાર આપશો
જનસેવા કે પાસસેવા?
નગરસેવકોનું કહેવું છે કે તેઓ નાગરિકોને નળ, ગટર અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે ચૂંટાયા છે. પરંતુ લોકોની અપેક્ષાઓ હવે દરેક બાબતમાં વધી રહી છે. મત માગતી વખતે વિસ્તારની સમસ્યાઓ સાંભળવી પડે અને નવરાત્રિ આવે ત્યારે પાસની યાદી સાંભળવી પડે આ સ્થિતિમાં સવાલ એ પણ થાય છે કે નગરસેવકની ઓળખ હવે વિસ્તારનાં કામથી થશે કે મોટા ગરબાના પાસની સંખ્યાથી?
શેરી ગરબામાં જ પરંપરાનો સાચો રંગ!
પંકજ તડવીએ લોકોને શેરી અને સોસાયટીમાં યોજાતા ગરબામાં ભાગ લેવા અપીલ કરી છે. તેમના મતે, સ્થાનિક ગરબામાં જોડાવાથી પરંપરા જળવાઈ રહેશે અને મોટા મેદાનોમાં થતી કેટલીક સમસ્યાઓથી પણ બચી શકાશે. મોબાઈલ ચોરી જેવી ઘટનાઓ અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી છે.
ગરબો ગાવા માટે ભક્તિ જોઈએ, ઓળખાણ નહીં
આખરે નવરાત્રિ માતાજીની આરાધના અને આનંદનો તહેવાર છે, પાસ મેળવવાની સ્પર્ધા નહીં. ગરબો ગાવા માટે ભક્તિ જોઈએ, ઓળખાણ નહીં; અને નવરાત્રિ માણવા માટે તાલ જોઈએ, પાસની લાઇન નહીં. સાર એટલો જ કે નગરસેવકોને વિસ્તારના પ્રશ્નો પૂછો, પાસના નહીં. કારણ કે નવ દિવસના ગરબામાં પાસ મળી પણ જશે, પરંતુ નળ, ગટર અને રસ્તાના પ્રશ્નોનો ગરબો આખું વર્ષ ચાલતો રહે છે.
આ પણ વાંચો : Delhi: નેહા બોરાને મળેલા વધારે મહત્વથી NSUI નારાજ, સત્તાવાર ગ્રૂપનું નામ બદલી કરી નાંખ્યું We The Chhotu