મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે દિલ્હીમાં ચાલી રહેલા પ્રદર્શનમાં લેફ્ટ સંગઠન આઈસાની છાત્રનેતા નેહા બોરા ખૂબ ચર્ચામાં આવી છે. કોંગ્રેસ દ્વારા નેહા બોરાને દરેક પ્રદર્શનમાં સતત મોટું મહત્વ આપવામાં આવતાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ છે. રાહુલ ગાંધી સાથે ચર્ચા છતાં કોઈ ઉકેલ ન આવતાં કાર્યકરે સત્તાવાર ગ્રૂપનું નામ બદલ્યું.
રાહુલ ગાંધીએ નેહા બોરાને સૌથી આગળ રાખી
દિલ્હીમાં 12 ઓક્ટોબરે કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ રસ્તાઓ પર ઉતરીને મોટું પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટ સુધી ગયેલા માર્ચમાં રાહુલ ગાંધીએ આઈસા છાત્રનેતા નેહા બોરાને સૌથી આગળ રાખી હતી. પ્રિયંકા ગાંધી અને નેહા બોરા વિરોધ માર્ચમાં સૌથી આગળ ચાલી રહ્યાં હતાં. તે સમયે રાહુલ ગાંધી બંને નેતાઓની થોડા પાછળ ચાલી રહ્યા હતા.
બસમાં પણ નેહા બોરાને બેસાડવામાં આવ્યા
આ ઉપરાંત આંદોલન દરમિયાન બસમાં પણ નેહા બોરાને બેસાડવામાં આવ્યા હતા. બાદમાં સુપ્રીમ કોર્ટ નજીક ઊભેલા એક ટ્રક પર નેહા બોરાને સ્થાન અપાયું હતું. આ ટ્રક પર રાહુલ ગાંધી સહિતના તમામ મોટા નેતાઓ જ હાજર હતા.
એનએસયુઆઈના નેતા વિનોદ જાખડને ટ્રકમાં સ્થાન ના મળ્યું
આ સમગ્ર માર્ચમાં એનએસયુઆઈના નેતા વિનોદ જાખડ પણ સામેલ હતા. જોકે તેઓ ટ્રક પર ક્યાંય દેખાયા નહોતા. તેમને નેહા બોરાની જેમ કોઈ પ્રસિદ્ધિ પણ મળી શકી નહોતી. વિપક્ષી નેતાઓની પ્રેસ કોન્ફરન્સમાં પણ નેહા બોરાને મીડિયા સમક્ષ બોલવાની તક અપાઈ હતી.
એનએસયુઆઈ સહિતના સંગઠનોમાં નારાજગી ફેલાઇ
આકરી મહેનત છતાં પોતાની વિદ્યાર્થી પાંખના બદલે લેફ્ટ સંગઠનને તવજ્જો મળતાં એનએસયુઆઈમાં નારાજગી ફેલાઈ હતી. રાહુલ ગાંધીએ એનએસયુઆઈ સહિતના સંગઠનોના યુવાનોને ચા પર બોલાવ્યા હતા. આ બેઠકમાં નેહા બોરા અંગે પણ ફરિયાદ કરવામાં આવી હતી. જોકે ફરિયાદ પર કોઈ ઉકેલ ન નીકળ્યો અને તેને નજરઅંદાજ કરાઈ હતી.
સત્તાવાર ગ્રૂપનું નામ બદલીને 'વી ધ છોટુ' કરી નાખ્યું
આથી નારાજ પદાધિકારીઓએ સત્તાવાર ગ્રૂપનું નામ બદલીને 'વી ધ છોટુ' કરી નાખ્યું હતું. કેરળ અને યુનિવર્સિટી ચૂંટણીઓમાં બંને સંગઠનો સામસામે લડે છે. જોકે રાષ્ટ્રીય સ્તરે ભાજપ સામે ઇન્ડિયા ગઠબંધનમાં બંને પક્ષો એકસાથે છે.
આ પણ વાંચો : Explainer: ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ કેમ મળી? OCI કાર્ડના નિયમો શું કહે છે અને હવે આગળ શું થશે?