કર્ણાટકના બેંગલુરુમાં પરિવારના સાત સભ્યોની હત્યા કેસની તપાસ ઝડપથી આગળ વધી રહી છે. ગૃહમંત્રી પ્રિયંક ખડગેએ શનિવારે પત્રકારોને જણાવ્યું કે, આ ગુનામાં આરોપીની સગીર પુત્રીની સંડોવણી અને શંકાસ્પદ ભૂમિકા અંગે તપાસ ચાલે છે. સાતમાંથી હાલ માત્ર એક જ મૃતદેહ મળ્યો છે, જ્યારે બાકીના મૃતદેહો અને અન્ય વિગતો મેળવવા તપાસ ચાલુ છે.
દંપતી વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડા થતા હતા
ગૃહમંત્રીએ જણાવ્યું કે આરોપી ઈન્દુશેખર અને તેની પત્ની દિવ્યાની ઉંમરમાં આશરે 13 થી 14 વર્ષનો તફાવત હતો. પડોશીઓના જણાવ્યા મુજબ આ દંપતી વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડા થતા હતા અને તેઓ સામસામે બૂમો પાડતા હતા. પોલીસ હાલ આ તમામ બાબતોની ચકાસણી કરી રહી છે.
તેણે પોતાની પત્ની સામે પણ ઘણા આક્ષેપો કર્યા
પૂછપરછમાં આરોપીએ હત્યા પાછળ અનેક કારણો આગળ ધર્યા છે. તેણે દાવો કર્યો હતો કે પત્નીના પરિવારના સભ્યો તેની સાથે યોગ્ય રીતે વાત કરતા નહોતા. આ ઉપરાંત તેણે પોતાની પત્ની સામે પણ ઘણા આક્ષેપો કર્યા છે. ગૃહમંત્રીના જણાવ્યા અનુસાર પોલીસ આ તમામ દાવાઓની સત્યતા તપાસી રહી છે.
સગીર પુત્રીનો વિશ્વાસ કેળવીને તેનું બ્રેઈનવોશ કર્યું
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી ઈન્દુશેખરે સગીર પુત્રીનો વિશ્વાસ કેળવીને તેનું બ્રેઈનવોશ કર્યું હતું. આરોપીને કોઈના તરફથી શંકા ન જાય તે હેતુથી તે વહેલી સવારે મૃતદેહોનો નિકાલ કરવા જતી વખતે પુત્રીને સાથે લઈ ગયો હતો.
મૃતદેહો ફેંકતા પહેલાં તેને આશરે 10 વખત ટેપથી લપેટવામાં આવ્યા
તપાસકર્તાઓને જાણવા મળ્યું છે કે મૃતદેહો ફેંકતા પહેલાં તેને આશરે 10 વખત ટેપથી લપેટવામાં આવ્યા હતા. પૂછપરછમાં સગીરાએ જણાવ્યું કે તેણે માત્ર પિતાના નિર્દેશોનું પાલન કર્યું હતું.
મૃતકોના શરીરેથી સોનાના દાગીના ઉતારી લીધા
આ સિવાય આરોપીએ તમામ મૃતકોના શરીરેથી સોનાના દાગીના ઉતારી લીધા હતા. તેણે તેમાંથી કેટલાક ઘરેણાં વેચી દીધા હતા, અમુક દાગીના ગિરવે મૂક્યા હતા અને બાકીના દાગીના પોતાની પાસે રાખ્યા હતા. પૂછપરછમાં આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તેને આ કૃત્યનો લેશમાત્ર પસ્તાવો નથી. પોલીસ એ આક્ષેપોની પણ તપાસ કરી રહી છે કે આરોપીએ પોતાની સગીર પુત્રીનો ઉપયોગ કરીને અન્ય લોકોને પોક્સો એક્ટ હેઠળ કેસ કરવાની ધમકી આપી નાણાં પડાવ્યા હતા.
આરોપીની પુત્રી ઝઘડા પોતાના ફોનમાં રેકોર્ડ કરી લેતી
માહિતી મુજબ અગાઉ કાર પાર્કિંગ બાબતે શેખર અને અન્ય લોકો વચ્ચે વિવાદ થયો હતો, જેમાં તેમણે ખોટી ફરિયાદ નોંધાવતા પોલીસે તેમને ઠપકો આપ્યો હતો. આરોપીની પુત્રી આવા ઝઘડા પોતાના ફોનમાં રેકોર્ડ કરી લેતી હતી અને તેણે પોલીસને કહ્યું કે આ બધું પિતાના આદેશથી કર્યું હતું. પોલીસે મૃતદેહો લઈ જવા માટે વપરાયેલી ટોયોટા ઈટિઓસ કાર જપ્ત કરી લીધી છે અને તેના પર પ્રેસનું સ્ટીકર લાગેલું હતું. સમગ્ર કેસના તમામ તથ્યો બહાર લાવવામાં હજુ વધુ સમય લાગશે.
આ પણ વાંચો : Delhi: OBC ક્રીમી લેયર પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, માત્ર માતા-પિતાની આવકથી નહીં નક્કી થાય પાત્રતા