મહારાષ્ટ્રના લાતુરમાં શંકા અને ગુસ્સાના કારણે 26 વર્ષીય શીતલ ગાયમુખેની હત્યા થઈ છે. તેના 25 વર્ષીય પ્રેમી રમજાન ચાંદ પાશા શેખ પર જૂના મિત્ર સાથે વાત કરવાના વિવાદમાં ગળું દબાવી હત્યા કરવાનો આરોપ છે. ત્યારબાદ તેણે સ્ક્રૂડ્રાઈવરથી ગળા તેમજ પેટ પર હુમલો કર્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને કસ્ટડીમાં લીધો છે.

યુવતીના છુટાછેડા થયા હતા

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ 26 વર્ષીય શીતલના લગ્ન આશરે દસ વર્ષ પહેલાં મહારાષ્ટ્રના અહમદપુર તાલુકાના ધામણગાંવ ખાતે રહેતા એક યુવક સાથે સંપન્ન થયા હતા. જોકે લગ્નના આશરે એકાદ વર્ષ બાદ બંને વચ્ચે સતત અણબનાવ શરૂ થતાં છૂટાછેડા થઈ ગયા હતા. છૂટાછેડા પછી શીતલની પુત્રી તેની સાથે જ રહેતી હતી. પતિથી અલગ થઈને તે થોડો સમય પુણેમાં રહી અને પછી લાતુર પરત ફરી હતી. 

જૂના મિત્ર સાગર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો

લાતુર આવ્યા બાદ કોલેજના સમયના જૂના મિત્ર સાગર સાથે તેની મુલાકાત થતાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આ દરમિયાન શીતલના જીવનમાં લાતુરની કરીમનગર કોલોનીમાં રહેતો અને રિક્ષા ચલાવતો રમજાન ચાંદ પાશા શેખ આવ્યો હતો. 

શીતલ રમજાન સાથે રહેવા લાગી હતી

શીતલ અને રમજાન વચ્ચે નિકટતા વધતાં તેણે સાગરથી અંતર બનાવી દીધું હતું અને તે રમજાન સાથે ગોકુલધામ સોસાયટીમાં પતિ-પત્નીની જેમ રહેવા લાગી હતી.

શીતલે સાગર સાથે ફરી વાતચીત શરુ કરી

થોડા મહિના બાદ શીતલે પોતાના જૂના મિત્ર સાગર સાથે ફરીથી વાતચીત શરૂ કરી હતી, જેની જાણ રમજાનને થઈ ગઈ હતી. આ વાતને લઈને બંને વચ્ચે ઉગ્ર વિવાદ થતાં ગુસ્સામાં રમજાન તેને સોસાયટીના ખુલ્લા વિસ્તારમાં લઈ ગયો હતો. ત્યાં તેણે શીતલનું ગળું દબાવ્યું અને સ્ક્રૂડ્રાઈવર વડે ગળા તેમજ પેટ પર ઉપરાછાપરી ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી. 

આરોપી રમજાનની ધરપકડ 

15 ઓક્ટોબર 2026ના રોજ રાત્રે આશરે એક વાગ્યે સોસાયટીમાંથી શીતલનો મૃતદેહ મળતાં એમઆઇડીસી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી રમજાનને કસ્ટડીમાં લીધો હતો. હાલ પોલીસ અધિકારી સમાધાન ચૌરેના નેતત્વમાં સમગ્ર મામલાની વધુ તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો  :   Kolkata : દુર્ગાપૂજાના પંડાલમાં વરસાદ વચ્ચે મંડપ ધરાશાયી થતાં નાસભાગ, 17ના મોત, 35 ઘાયલ